• મંગળવાર, 03 માર્ચ, 2026

ગાંધીનગરમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ : ‘ભૂત આવ્યું’ કહીને દાદી પાસે રડી પડી પોલીસે મામા સહિત ચાર શકમંદની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી

સિવિલ હોસ્પિટલમાં જિંદગી સામે જંગ લડી રહી છે દીકરી, બાળ આયોગે તપાસના આદેશ આપ્યા

અમદાવાદ, રાજકોટ તા.15: હજુ તો આટકોટ પાસે છ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મના પ્રયાસની ઘટના લોકો ભૂલ્યા નથી, ત્યાં રાજ્યમાં ફરી એકવાર હવસખોરોની વિકૃત માનસિકતાનો ભોગ એક માસૂમ બાળકી બની છે. ગાંધીનગરના સેક્ટર-24ના ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની આશરે 5 વર્ષીય બાળકી પર રાત્રિના અંધારામાં કોઈ નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેના કારણે ડરી ગયેલી બાળકી દાદી પાસે જઈને ‘ભૂત આવ્યું’ કહીને રડવા લાગી હતી. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 4થી વધુ શંકાસ્પદ ઈસમોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

ગાંધીનગર શહેર, જેને આપણે સલામત અને શાંત શહેર માનીએ છીએ, ત્યાં એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મૂળ સૌરાષ્ટ્રનો એક શ્રમજીવી પરિવાર અહીં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો હતો. મોડી રાત્રે જ્યારે પરિવાર સૂતો હતો, ત્યારે હવસખોરોએ આ પરિવારની 5 વર્ષની ફૂલ જેવી બાળકીને નિશાન બનાવી હતી. નરાધમો બાળકીને ચૂપચાપ ઉઠાવી ગયા હતા અને એકાંત જગ્યાએ લઈ જઈને તેની સાથે પાશવી કૃત્ય આચર્યું હતું. આ ઘટનાએ માનવતાને પણ લજવી દીધી છે. પોતાની રાક્ષસી વૃત્તિ સંતોષ્યા બાદ આરોપીઓ બાળકીને ફરી ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ ભયભીત થયેલી બાળકી તેની દાદી પાસે જઈને સૂઈ ગઈ હતી અને ‘ભૂત આવ્યું, ભૂત આવ્યું’ કહીને રડવા લાગી હતી. દાદીએ તેને શાંત પાડી તપાસ કરતા તેના વસ્ત્રો લોહીથી ખરડાયેલા જોવા મળ્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના બની હોવાની શંકા જતા, દાદી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાલ ડોક્ટરોની ટીમ તેની સારવાર કરી રહી છે. આ બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો.

પોલીસે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મદદ લેવામાં આવી છે. અત્યાર સુધીની તપાસના આધારે પોલીસે 4 જેટલા શંકાસ્પદ શખસોની અટકાયત કરી લીધી છે અને તેમની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ગંભીર ઘટનાના પડઘા રાજ્યભરમાં પડયા છે. ગુજરાત રાજ્ય બાળ આયોગના ચેરમેન ધર્મિષ્ઠા ગજ્જરે પણ આ ઘટનાની કડક નોંધ લીધી છે. તેમણે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને પીડિત બાળકી તેમજ તેના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. તેમણે દીકરીઓ પર વધી રહેલી આવી ઘટનાઓ અંગે ભારે ચિંતા વ્યક્ત કરી હતી અને તંત્રને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આરોપીઓને ફાંસી જેવી કડક સજા મળે તે માટે કાનૂની રાહે તમામ પ્રયાસો કરવામાં આવશે તેવી ખાતરી તેમણે પરિવારને આપી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક