ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટના રિપોર્ટમાં વિલંબ થતાં હાઈકોર્ટે તપાસ પ્રક્રિયા વધુ ઝડપી કરવા ટકોર કરી
રિપોર્ટ 7મી જાન્યુઆરીએ સીલ બંધ
કવરમાં રજૂ થશે
અમદાવાદ, તા. 15: રાજકુમાર જાટની
હત્યા કેસમાં આજે (15 ડિસેમ્બર) હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં તપાસ અધિકારીએ કેસ
સંબંધિત રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. રિપોર્ટમાં ગણેશ ગોંડલ સામે કરવામાં આવેલી
તપાસનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે નાર્કો ટેસ્ટનો રિપોર્ટ ફાઈલ ન થતાં
હાઈકોર્ટ નારાજ થઈ હતી. ગોંડલના રાજકુમાર જાટ કેસમાં આરોપી ગણેશ ગોંડલનો 11 ડિસેમ્બરના
રોજ ગાંધીનગર એફએસએલમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. 1 સપ્તાહમાં નાર્કો રિપોર્ટ
આવશે. સરકારે વધુ સમયની માગ કરતા 7 જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરાશે. તપાસનો અહેવાલ સીલ
બંધ કવરમાં રજૂ કરવા કોર્ટએ આદેશ કર્યો છે. આજે 15 ડિસેમ્બરના રોજ હાઈકોર્ટમાં નાર્કો
ટેસ્ટનો રિપોર્ટ દાખલ કરવાનો હતો પણ તેમાં વિલંબ થતાં હાઈકોર્ટે તપાસ પ્રક્રિયા વધુ
ઝડપી કરવા મૌખિક ટકોર કરી હતી. મૃતક રાજકુમાર જાટના પરિવારજનોએ આ બનાવને અકસ્માત નહીં
પણ હત્યા ગણાવીને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજાસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા
સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ મામલે રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં નાર્કો
ટેસ્ટ કરાવવા માટે અરજી કરવામાં આવી હતી. આ અરજીના જવાબમાં ગણેશ જાડેજાએ કોર્ટ સમક્ષ
નાર્કો ટેસ્ટ કરાવવા માટે સહમતિ આપી હતી, જેના આધારે કોર્ટે નાર્કો ટેસ્ટ કરાવવા માટે
હુકમ કર્યો હતો. જોકે, રાજકુમારનું જે બસ અડફેટે મૃત્યુ થયાનું પોલીસે જાહેર કર્યું
હતું, તે બસના ચાલક રમેશ મેરની ઉંમરને ધ્યાનમાં રાખીને અદાલતે તેના નાર્કો ટેસ્ટ માટે
મંજૂરી આપી નહોતી. બીજી તરફ ગણેશ જાડેજાએ મંજૂરી આપતા તેનો નાર્કો ટેસ્ટ થયો હતો. જેનો
રિપોર્ટ તપાસ અધિકારી આવનારી 7 જાન્યુઆરીએ સીલ બંધ કવરમાં કોર્ટમાં રજૂ કરશે.