રોડ ઉપર ઉભેલા આઈશર પાછળ મચ્છી ભરેલી બોલેરો ઘૂસી જતા અકસ્માત સર્જાયો: એકને ગંભીર ઇજા થતા સારવારમાં
વેરાવળ, તા.15: વેરાવળ - કોડિનાર
રોડ પર પ્રાંસલી ગામ નજીક ગતરાત્રીના ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ
વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યા છે જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ સાથે
સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ વણાકબારા તરફથી
મચ્છી ભરી વેરાવળ જીઆઈડીસી ખાતે આવેલા વનિતા કોલ્ડ સ્ટોરેજ નામની ફિશ કંપનીમાં જઈ રહેલી
આઇસર ગાડી (નં.જીજે-32-ટી- 4405)માં પ્રાંસલી નજીક પંચર પડતાં ચાલક હુસેન મહમદ મલેક
(રહે. ગરીબ નવાજ કોલોની, વેરાવળ) ગાડી રોડની સાઈડમાં રાખી પંચર બનાવી રહ્યો હતો. ત્યારે
આ કંપનીની બીજી આઈસર (નં. જીજે-14-બીટી-9972) પસાર થતા તેના ચાલક રફિક ચાંદભાઈ ભાદરકા
પંચર જોયા બાદ મદદ માટે ઊભા રહ્યા હતા. બંન્ને ચાલકો સાથે ગોપાલભાઈ નામના વ્યક્તિ પંચર
બનાવવાની કામગીરી કરી રહ્યા હતા. તે જ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવેલી મચ્છી ભરેલી બોલેરો
(નં.જીજે-3-ટી-8057)ના ચાલકે ગફલતમાં આવી આઇસર ટ્રકની પાછળ જોરદાર અથડાવી દીધી હતી.
આ ભયાનક અકસ્માતમાં બોલેરોના ચાલક રાજુભાઈ બાલુભાઈ પરમાર (ઉં.27, રહે. નાથડ ગામ), આઇસરના
ચાલક હુસેન મહમદ મલેક (ઉં.51) અને મદદ માટે ઉભેલા રફિક ચાંદભાઈ ભાદરકા સહિત ત્રણેયના
ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા. જ્યારે ગોપાલભાઈને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક
સારવાર અર્થે નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતની જાણ થતાં સુત્રાપાડા
પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત
અંગે વધુ તપાસ હાથ ધરી હતી. આ અકસ્માતમાં ત્રણ-ત્રણ લોકોના મૃત્યુ થયા હોવાથી શહેર
અને પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. અકસ્માતના પગલે હાઈવે ઉપર થોડા સમય માટે ટ્રાફિક
પણ ખોરવાયો હતો.