અમદાવાદ, તા. 16: સાયબર ક્રાઇમ સેલે ઓનલાઈન છેતરાપિંડીના નાણાંને સગેવગે કરવા માટે વપરાતા મ્યુલ એકાઉન્ટ સંબંધિત કૌભાંડમાં ડીવાઇન કેટરર્સ નામની પેઢીના રૂપાલ ગામના ડિરેક્ટર વિરુદ્ધ ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો માટે પેથાપુર પોલીસ મથકમાં ગાંધીનગર જિલ્લાનો પ્રથમ ગુનો દાખલ કરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પેઢીના નામના એકાઉન્ટમાં રૂ. 74.27 લાખની રકમના અનઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન થયાના પુરાવા સાથે દેશભરમાંથી કુલ 25 ફરિયાદો નોંધાયેલી હોવાનો પર્દાફાશ થયો છે.
સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરોળિયાની
જાળની માફક ફેલાયેલા ફ્રોડના મૂળ સુધી પહોંચવા મ્યૂલ એકાઉન્ટ્સની ઘનિષ્ઠ તપાસ કરવામાં
આવી રહી છે. જે અન્વયે ગાંધીનગરમાં સૌપ્રથમ ગુનો પેથાપુર પોલીસ મથકના ચોપડે નોંધાયો
છે. સાયબર ક્રાઈમ પોલીસે IDFC FIRST BANKના એક એકાઉન્ટ નંબરના સ્ટેટમેન્ટનું એનાલિસિસ કર્યું
હતું. આ એનાલિસિસમાં 30 ઓક્ટોબર, 2024થી 16 એપ્રિલ, 2025 દરમિયાન કુલ રૂ. 74,27,508
જેટલી મોટી રકમના શંકાસ્પદ અને અનઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા. વધુમાં તપાસમાં
બહાર આવ્યું છે કે આ ખાતુ ડીવાઇન કેટરર્સ નામે ખોલવામાં આવ્યું હતું, જેના ડિરેક્ટર
તરીકે ભાવેશ રાધેશ્યામભાઈ પટેલ (રહે. સોનીપુર, રૂપાલ, ગાંધીનગર) છે. આરોપી ભાવેશ પટેલે
અન્ય મળતિયાઓ સાથે મળીને ગુનાહિત કાવતરું રચી ઓનલાઇન ઠગાઇથી મેળવેલા નાણાં પોતાના એકાઉન્ટમાં
જમા કરાવીને ગેરકાયદેસર આર્થિક લાભ મેળવ્યો હોવાનું બહાર આવ્યું છે.