• મંગળવાર, 02 જૂન, 2026

વાંકાનેરમાં રૂ.2 કરોડના દારૂના કેસમાં ફરાર જામનગર ભાજપના કોર્પોરેટરના પુત્રની ધરપકડ

આરોપી ફરાર હોવા છતાં ચૂંટણી પ્રચારમાં ફરતો હોવાની ચર્ચા : પોલીસ સામે ઉઠતા સવાલ

જામનગર, તા.1: વાંકાનેરના કરોડોના પ્રોહિબિશનના ગુનાનો વોન્ટેડ આરોપી એવા વોર્ડ નં.10ના ભાજપના કોર્પોરેટરના પુત્રને બાતમીના આધારે પોલીસે ચોટીલામાં એક હોટલ નજીક સઘન વોચ ગોઠવી આબાદ ઝડપી લીધો હતો. 

પોલીસ રેકોર્ડ મુજબ, ઝડપાયેલો આરોપી હિતેશ ઉર્ફે વાંગો હિસ્ટ્રીશીટર અને રીઢો આરોપી છે. તેની સામે અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં હત્યા, હત્યાનો પ્રયાસ, તેમજ દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓ સહિતના કુલ 19 જેટલા ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે અને તે અગાઉ પણ જેલની હવા ખાઈ ચૂક્યો છે. જામનગરના વોર્ડ નં.10 ભાજપના કોર્પોરેટર મંજુબેન બાંભણીયાના પુત્ર હિતેશની કરોડોના દારૂના કેસમાં ધરપકડ બાદ સ્થાનિક રાજકારણમાં અને પોલીસ પ્રશાસનની કામગીરી સામે અનેક ચર્ચાઓ જાગી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, જ્યારે આરોપી વાંગો કરોડોના દારૂના કેસમાં પોલીસ ચોપડે નાસતો-ફરતો (વોન્ટેડ) જાહેર કરાયો હતો તે દરમિયાન જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ ચાલી રહી હતી. આ ચૂંટણીમાં તે પોતાની માતા અને ભાજપના ઉમેદવારના પ્રચારમાં ખુલ્લેઆમ ફરતો દેખાયો હતો. એટલું જ નહીં, ચૂંટણી પૂરી થયા બાદ ભાજપના વિજય સરઘસમાં પણ તેની સક્રિય હાજરી હોવાનું સામે આવ્યું હતું જેને લઈને રાજકીય મોરચે પણ ભારે ચર્ચા જાગી છે. હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે આરોપીનો કબજો મેળવીને આ કરોડોના દારૂના નેટવર્કમાં તેના સિવાય અન્ય કયા મોટા બુટલેગરો કે રાજકીય માથાઓ સામેલ છે? તે દિશામાં સઘન પૂછપરછ અને રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક