• શુક્રવાર, 23 ફેબ્રુઆરી, 2024

ભાવનગરમાંથી નકલી નંબર પ્લેટનું કૌભાંડ ઝડપાયું : ત્રણ બસ પકડાઈ

બે શખસની ધરપકડ 

ભાવનગર, તા.11 : પાલિતાણા ઘેટી રોડ પર અને સિહોર સિદ્ધિ વિનાયક હોટલની બાજુમાં ગેરેજના પાર્કિંગમાં અને ભાવનગર નવાપરા લીમડા ટ્રાવેલ્સના કમ્પાઉન્ડમાં એક જ નંબરવાળી ત્રણ બસ પડી હોવાની બાતમીના આધારે એલસીબીના સ્ટાફે દરોડો પાડયો હતો.

પોલીસે હાથ ધરેલી તપાસમાં ત્રણેય બસ એક જ નંબરની હોવાનું ખુલ્યું હતું. પોલીસે કાગળોની તપાસ કરતા સિહોર ખાતેથી લાવવામાં આવેલ આશાપુરા ટ્રાવેલ્સની બસમાં નંબર અસલ હતા અને પાલિતાણા ખાતેથી લાવેલ દીલાવર ટ્રાવેલ્સ અને ભાવનગરની લીમડા ટ્રાવેલ્સની બસમાં ખોટી રજિ.નંબર પ્લેટ અને ખોટા કાગળો રાખી ટેક્સ બચાવવાના બદઈરાદાથી બસનો ઉપયોગ કરતા હોવાનું ખુલ્યું હતું.

પોલીસે દીલાવર ટ્રાવેલ્સ અને લીમડા ટ્રાવેલ્સના માલિકો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે ભાવનગરના શબ્બીર રજાક મહેતર અને સિહોરના જયરાજ બોધાજી ચૌહાણની ધરપકડ કરી હતી અને રૂ.ર0 લાખની કિંમતની બે બસ કબજે કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

Budget 2024 LIVE