• મંગળવાર, 23 એપ્રિલ, 2024

અમદાવાદમાં ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા શિક્ષિકાની ધરપકડ શિક્ષિકાને કે.કે નગર ઘાટલોડિયા પાસે ઇકઘની કામગીરી સોંપવામાં આવી હતી

અમદાવાદ, તા. 1 : અમદાવાદમાં ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા શિક્ષિકાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મામલતદારના હુકમના આધારે પોલીસે ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાની ધરપકડ કરી છે. શિક્ષિકાને કે.કે નગર ઘાટલોડિયા પાસે ઇકઘની કામગીરી સોંપવામાં આવી હતી. જોકે, તેઓ ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા તેમની ધરપકડ કરવામાં આવી છે. 

આ અંગે શિક્ષિકાના પતિએ જણાવ્યું કે, ઇકઘની કામગીરી સોંપવામાં આવી હતી અને ગુજરાત નિર્વાચન આયોગનો પત્ર છે કે કોઈ મહિલાને અનિવાર્ય સંજોગોમાં જ ઇકઘની કામગીરી સોંપવી. મહિલાને ગમે ત્યાં મૂકવી નહીં, જ્યાં તેમનો મત વિસ્તાર છે ત્યાં જ મુકવી. તેથી અમે નિર્વાચન આયોગના પત્રને જોડીને રજૂઆત કરી હતી કે અમને આ કામગીરી ન આપો. જો કામગીરી આપો તો અમારા મત વિસ્તારમાં જ કામગીરી આપો. છતાં પણ તેમણે દૂરના સ્થળે કામગીરી આપી છે. તેના કારણે અમે આ કામગીરીનો અસ્વીકાર કર્યો છે.  આખા ગુજરાતમાં આ પહેલો કેસ છે, જ્યારે મહિલા શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી છે. અમે લેખિતમાં આધાર પૂરાવા સાથે રજૂઆત કરી છે. આ બાબતે અમે સંઘની અંદર રજૂઆત કરીશું અને જો કોર્ટમાં જવાની જરૂ પડે તો અમે કોર્ટમાં પણ જઈશું.        

આ મામલે શિક્ષિકાએ જણાવ્યું કે, હું ગોતા વિસ્તારમાં રહું છું અને મને કે.કે નગર ઘાટલોડિયામાં જવાબદારી સોંપી છે. મેં મામલતદારને રજૂઆત કરતા કહ્યું હતું કે હું કામગીરી સ્વીકારવા તૈયાર છું, મને મારા નજીકના વિસ્તારમાં કામગીરી આપવામાં આવે. છતાં મને દૂરના વિસ્તારમાં કામગીરી સોંપવામાં આવી. જેથી મેં તેનો અસ્વીકાર કર્યો છે. હાલ પોલીસે ઘાટલોડિયા  મામલતદારના હુકમના આધારે ધરપકડ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક