• રવિવાર, 05 મે, 2024

સુરતમાં 51 વિવર્સ સાથે 5.89 કરોડની ઠગાઈ : 8 ઠગ સામે ગુનો નોંધાયો ઉધારમાં કાપડ લઈ 1.32 કરોડની  છેતરાપિંડી કરનાર મુંબઈનો વેપારી ઝડપાયો

(ફૂલછાબ ન્યુઝ)  સુરત, તા. 25 : શહેરના ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીઓ સાથે છેતરાપિંડી તથા ઠગાઈના બનાવો બનવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન મુંબઈનો વેપારી મેહુલ જોગાણી(ઉ.41) સુરતના વેપારીઓ પાસેથી કાપડનો માલ લઈ વાયદા પ્રામાણે રૂપિયા ચૂકવી દેતો હતો. આથી વેપારીઓ તેના પર વિશ્વાસ મૂકી કાપડનો માલ આપતા હતા. તેથી તેણે ખોટી પેઢી ઉભી કરી 8 વેપારીઓ પાસેથી રૂપિયા 1.32 કરોડનો માલ ઉધારમાં લઈ બાદમાં હાથ ઉંચા કરી દીધા હતા. અને મેહુલ છેલ્લા 5 મહિનાથી ફરાર હતો. તેથી વેપારીઓએ મેહુલ સામે સલાબતપુરામાં 2 અને પાંડેસરામાં એક ગુનો દાખલ કરાવ્યો હતો. તેથી શહેરના ઈકોસેલે મેહુલને મુંબઈના મીરા રોડની એ.આર.ઈન હોટલમાંથી ઝડપી પાડયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજા બનાવમાં શહેરના રિંગરોડની રધુકુળ માર્કેટના દંપતી વેપારી અને તેની સાળી સહિત 4 વેપારી ભાગીદારીમાં ધંધો કરી 4 કાપડ દલાલો સાથે મળી 51 વિવર્સ પાસેથી રૂપિયા 5.89 કરોડનો ગ્રે-કાપડનો માલ ક્રેડિટ પર લઈ વેચી નાખ્યો હતો. ત્યારબાદ આરોપીઓ ભાડાની દુકાન બંધ કરી ફરાર થઈ જતા જશ માર્કેટના વેપારી રમણીક ટીંબડીયા અને વિવર્સોએ આરોપીઓ આશીષ સુરેકા, સ્નેહા સુરેકા, અંજુ કેડીયા, સુરેન્દ્ર પોદ્દાર, પારસમલ રાઠોડ, સંદીપ પનસારી, યશ બંસલ, અજય અગ્રવાલનાઓ સામે પોલીસ કમિશનરમાં અરજી કરી હતી. જેના આધારે ઈકોસેલે તપાસ હાથ ધરતા સુરેન્દ્ર પોદ્દાર નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે તથા ઈકોસેલે આગળની તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક