• શનિવાર, 13 જુલાઈ, 2024

ભ્રમ ફેલાવવાથી રેલવે પરિવારનું મનોબળ નહીં તૂટે : રેલવે પ્રધાન

લોકો પાઇલટ્સ સંબંધી રાહુલ ગાંધીના આક્ષેપોનો વૈષ્ણવે આપ્યો જવાબ

આનંદ કે. વ્યાસ

નવી દિલ્હી, તા. 10 : વિપક્ષ રેલવે વિશે ખોટી માહિતી ફેલાવીને લોકો પાઈલટ્સને હતોત્સાહ કરવા નાટકવેડા કરી રહ્યાનો આક્ષેપ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કર્યો છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધી તાજેતરમાં નવી દિલ્હી સ્ટેશન પર કથિત રીતે કેટલાક લોકો પાઈલટ્સને મળ્યા હતા અને તેમની વ્યથા વર્ણવતા કહ્યું હતું કે લોકો પાઈલટ્સને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે ઉપરાંત 16-16 કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે એ સંદર્ભે ‘એક્સ’ પર પોસ્ટમાં લખ્યું છે કે, લોકો પાઈલટ રેલવે પરિવારના મહત્વના સભ્યો છે. વિપક્ષ દ્વારા લોકો પાઈલટ્સને હતોત્સાહિત કરવા માટે ખોટી માહિતી ફેલાવીને નાટકવેડા થઈ રહ્યા હોવાથી જરૂરી છે કે આ બાબતો સ્પષ્ટ કરી દઉં. રાહુલ ગાંધીનું નામ લીધા વગર આક્ષેપોનું ખંડન કરતાં રેલવે પ્રધાને કહ્યુંyં કે લોકો પાઈલટ્સના ફરજના કલાકોનું સાવધાનીપૂર્વક ધ્યાન રાખવામાં આવે છે અને પ્રવાસ બાદ તેમને આરામ કરવાની પૂર્ણ સુવિધા ઉપલબ્ધ છે. તેમના સરેરાશ ફરજના કલાકો નક્કી કરેલા કલાકોની અંદર રાખવામાં આવે છે અને આ વર્ષે જૂનમાં આઠ કલાકથી પણ ઓછા છે. રેલવે પ્રધાને એમ પણ કહ્યું કે ફક્ત તાકીદની જરૂરિયાતમાં જ પ્રવાસની અવધિ નક્કી કરેલા કલાકો કરતાં વધી જાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક