બલૂચ
નેતાની ધરપકડ પછી હિંસક અથડામણ : ગોળીબારમાં ત્રણ પ્રદર્શનકારીનાં મૃત્યુ
ઈસ્લામાબાદ,
તા.22: પાકિસ્તાનનાં બલૂચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાની સેના અને સરકાર વિરુદ્ધ મોટાપાયે
પ્રદર્શન શરૂ થઈ ગયા છે. આ વિરોધી દેખાવો દરમિયાન બલૂચ માનવ અધિકાર કાર્યકર અને પ્રમુખ
નેતા મહરંગ બલૂચની ક્વેટા પોલીસે ધરપકડ કરી લીધી હતી. જેને પગલે મામલો વધુ બીચકી ગયો
હતો. પોલીસ અને દેખાવકારો વચ્ચેનાં ઘર્ષણમાં ત્રણ યુવકોનાં મોત પણ થયા હોવાનું જાણવા
મળે છે.
બલૂચિસ્તાનમાં
બલૂચ સમુદાયનાં લોકો ઉપર થઈ રહેલા અત્યાચારનાં વિરોધમાં આજે હજારોની સંખ્યામાં લોકો
માર્ગો ઉપર ઉતરી આવ્યા હતાં. બલૂચ યકઝેહતી સમિતિનાં નેતૃત્વમાં ચાલતા આ પ્રદર્શનને
કચડી નાખવા પોલીસે લાઠીચાર્જ, અશ્રુવાયુ છોડવા સાથે ગોળીબાર પણ કર્યા હતાં. જેમાં ત્રણ
યુવકનાં મોત નીપજ્યા હતાં અને ડઝનબંધ ઘવાયા પણ હતાં.
બલૂચ
સમુદાયનાં દાવા અનુસાર પોલીસે માત્ર મહરંગ બલૂચ અને તેનાં સહયોગીઓની ધરપકડ કરી હતી
એટલું જ નહીં પણ બળપ્રયોગમાં મૃત્યુ પામેલા યુવકોની લાશો પણ છીનવી લેવામાં આવી હતી.