• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

વક્ફ કાયદાનો અમલ શરૂ

સરકારે જાહેરનામુ કર્યુ પ્રસિદ્ધ : સડકથી સુપ્રીમ સુધી કાયદાનો વિરોધ

મુર્શિદાબાદમાં દેખાવકારો તોફાને ચડયા, પથ્થરમારો : સુપ્રીમમાં કેન્દ્રની કેવિએટ

નવીદિલ્હી, તા.8: રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો બની ગયેલા વકફ સુધારા અધિનિયમની આજથી અમલવારી પણ થઈ ગઈ છે. સરકાર દ્વારા આજે 8 એપ્રિલ 202પથી દેશભરમાં આ કાયદો લાગુ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. બીજીબાજુ વક્ફ અધિનિયમ સામે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીઓનાં અનુસંધાનમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક કેવિએટ દાખલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આ કાયદાને પડકારતી કોઈપણ અરજીમાં આદેશ આપતા પહેલા અદાલત કેન્દ્ર સરકારનો પક્ષ પણ સાંભળે. આ કાયદા વિરુદ્ધ દેશનાં અનેક ભાગોમાં મુસ્લિમ સુમદાય દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં આજે પશ્ચિમ બંગાળનાં મુર્શિદાબાદમાં પણ આવો જ વિરોધ ઓચિંતા તોફાનમાં બદલાઈ ગયો હતો. દેખાવકારો હિંસા ઉપર ઉતરી આવ્યા હતાં અને પોલીસ અને તેનાં વાહનો ઉપર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે, મુર્શિદાબાદ કાયમ ચર્ચાનાં કેન્દ્રમાં રહેતું આવ્યું છે. સીએએ અને એનઆરસી સામે વિરોધ વખતે પણ આ વિસ્તાર આવા જ અનિચ્છનીય કારણોસર ચર્ચામાં હતો. મુર્શિદાબાદમાં આજનાં હિંસક વિરોધ પછી ભારે તનાવ સર્જાયો હતો અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે મોટી સંખ્યામાં પોલીસબળને તૈનાત કરવાની ફરજ પડી હતી.

ઉલ્લેખનીય છે કે, સંસદમાં કાયદો ઘડાઈ ગયા બાદ હવે વક્ફની લડાઈ સડકથી સુપ્રીમ સુધી લડાઈ રહી છે. સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં આ કાયદાની ખિલાફ 10થી વધુ અરજીઓ થઈ ચૂકી છે. આમાં અનેક મોટી મુસ્લિમ સંસ્થાઓ, સંગઠનો અને નેતાઓની અરજી સામેલ છે. આ અરજી 1પમી એપ્રિલે સુનાવણી માટે નોંધાઈ શકે છે. જેમાં કેન્દ્ર સરકારે હવે તેનો પક્ષ રજૂ કરવા માટે આજે સુપ્રીમ કોર્ટમાં કેવિએટ દાખલ કરી દીધી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક