• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

કેબિનેટ નિર્ણયોની તપાસ કરાવવી અદાલતોનું કામ નથી : સુપ્રીમ

શિક્ષકોની ભરતી મામલે મમતા સરકારને રાહત

નવી દિલ્હી તા.8 : પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારને સુપ્રીમ કોર્ટમાં મોટી રાહત મળી છે. કોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે કેબિનેટના નિર્ણયોની તપાસ કરાવવાનું કામ કોર્ટનું નથી.

હાઈકોર્ટના નિર્ણયને રદ કરતાં સુપ્રીમે કહયુ કે શિક્ષકો તથા અન્ય સ્ટાફની રપ000 ભરતી કરવાના નિર્ણયમાં સીબીઆઈ તપાસની જરુર નથી.  આ પહેલા હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે વધારાની ભરતી માટે પદ ઉભા કરવાનું અયોગ્ય હતુ તથા કેબિનેટના નિર્ણયની સીબીઆઈ તપાસ થવી જોઈએ. જેના પર સુપ્રીમે આવી જરુરીયાતનો ઈનકાર કર્યો છે.  સુપ્રીમે કહયું કે અદાલતોએ કેબિનેટના નિર્ણયોની તપાસ ન કરાવવી જોઈએ. આ તેનું કામ નથી. સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટના નિર્ણયને પલટી નાખતા રાજય સરકારને મોટી રાહત મળી છે. સીજેઆઈ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજયકુમારની ખંડપીઠે કહયુ કે કોર્ટની પણ પોતાની મર્યાદા છે. તે એવા મામલાઓની તપાસનો આદેશ ન આપી શકે જેમાં નિર્ણય કેબિનેટની મિટીંગમાં લેવાયો હોય.

કોર્ટનું કામ નૈતિકતાની ઠેકેદારીનું નથી

જૈન મુનિ તરુણ સાગરની મજાકનાં મામલામાં પૂનાવાલા અને વિશાલ દદલાનીને રાહત

નવી દિલ્હી, તા.8: જૈન મુનિ તરુણ સાગરની મજાક ઉડાવવા બદલ રાજકીય વિશ્લેષક તહસીન પૂનાવાલા ઉપર 10 લાખ રૂપિયાનો દંડ ફટકારતો પંજાબ-હરિયાણા હાઈકોર્ટનાં આદેશને સુપ્રીમ કોર્ટે આજે ખારિજ કરી નાખતા કહ્યું હતું કે, અદાલતોનું કામ નૈતિકતાની ઠેકેદારી કરવાનું નથી. જસ્ટિસ અભય એસ.ઓકા અને ન્યાયમૂર્તિ ઉજ્જલ ભુઈયાની પીઠે હાઈકોર્ટનાં 2019નાં આદેશને રદ કરી નાખ્યો હતો. હાઈકોર્ટે પૂનાવાલા અને સંગીતકાર-ગાયક વિશાલ દદલાનીને દંડ ભરવાનો આદેશ કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે, હાઈકોર્ટ એ તથ્યથી પ્રભાવિત હતી કે અપીલકર્તાએ(આરોપીએ) એક વિશેષ ધર્મ સંબંધિત સંતની આલોચના કરી હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો આદેશ રદ કરતાં કહ્યું હતું કે, આ કેવા પ્રકારનો નિર્ણય છે? આમાં દંડ ફટકારવાનો કોઈ સવાલ જ નહતો. કોર્ટે અરોપીને દંડ કરીને છોડી મૂક્યા. કોર્ટનું કામ નૈતિકતાનાં માપદંડ સ્થાપિત કરવાનું નથી.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક