નવી
દિલ્હી, તા. 2 : દેશની સંસદની સુરક્ષામાં ચૂકના
2023ના બનાવમાં સુનાવણી બાદ દિલ્હી હાઈકોર્ટે બે આરોપી નીલમ આઝાદ અને મહેશ કુમાવતના
જામીન મંજૂર કર્યા છે. બન્નેએ કોર્ટમાં જામીનની અરજી આપી હતી. આ અરજીનો દિલ્હી પોલીસ
તરફથી વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે કોર્ટે અરજીને વાજબી માનતા શરતોના આધારે જામીન
આપ્યા હતા. શરતોમાં બન્ને આરોપીને મીડિયા સાથે વાત ન કરવા અને સોશિયલ મીડિયા ઉપર કોઈ
પોસ્ટ ન કરવા કહેવામાં આવ્યું છે. સંસદની સુરક્ષામાં ચૂકનો કેસ 2023નો છે. જ્યારે
13 ડિસેમ્બરના રોજ સંસદ ઉપર આતંકી હુમલાની વરસી હતી, આ દરમિયાન લોકસભામાં ઘૂસીને અમુક
શખસો દ્વારા પીળો ગેસ છોડવામાં આવ્યો હતો અને ધુમાડો ફેલાવ્યો હતો.