મકાઇ, ઇથોનોલ, સોયાબીન અને ડેરી ઉત્પાદનોની આયાત મુદે અસહમતીની ચર્ચા
નવી દિલ્હી, તા.3 : અમેરિકાના
પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ભારત સાથે અમેરિકાની
બિગ ટ્રેડ ડીલ (મોટી વ્યાપાર સમજૂતી) થવાની છે. ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદે બીજી વાર
બિરાજમાન થયા બાદ દુનિયાભરમાં ટ્રમ્પના ટેરિફનો મુદો ચર્ચામાં છે. ટ્રમ્પે દુનિયાભરના
દેશો સાથે રેસિપ્રોકલ ટેરિફ જાહેર કર્યા બાદ ઉહાપોહ થતાં 90 દિવસ માટે નવા ટેરિફ સ્થગિત
કર્યા હતા. હવે નવ જુલાઇએ આ મુદત પૂરી થવાની છે ત્યારે ફરીથી ટ્રમ્પના ટેરિફનો મુદો
ચર્ચામાં છે.
ગયા અઠવાડિયે ચીન સાથે અમેરિકાના
ટેરિફની સમજૂતી થયાના દાવા સાથે ટ્રમ્પના ભારત સાથેના ટ્રેડ ડીલ સંબંધી નિવેદનથી દેશમાં
ચર્ચા ચાલી રહી છે. ભારત તરફથી જણાવાયું હતું કે અમેરિકા સાથે ટ્રેડ ડીલની વાતચીત ચાલી
રહી છે પરંતુ એમાં કૃષિ અને ડેરી ઉત્પાદનોના મુદે સહમતી બાકી છે. એનો અર્થ એ થયો કે
વેપાર સમજૂતીમાં ભારત તરફથી કૃષિ ઉત્પાદનો અને ડેરી પ્રોડક્ટ મુખ્ય મુદા છે. નાણા પ્રધાન
નિર્મલા સીતારામને એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભારત અમેરિકા સાથે
વેપાર કરારમાં કૃષિ અને ખેડૂતોના હિતોની સમજૂતી નહીં કરે.
અમેરિકાનો પ્રયાસ મકાઇ, ઇથેનોલ,
સોયાબીન જેવા કૃષિ ઉત્પાદનો અને ડેરી ઉત્પાદનો ભારતની બજારોમાં લાવવાનો છે પરંતુ ભારત
આવું થાય એ પહેલા તમામ જરૂરી પરિમાણો પર વિસ્તૃત ચર્ચા ઇચ્છે છે. આખરે મકાઇ, ઇથેનોલ,
સોયાબીન અને ડેરી એ ચારેય ઉત્પાદનોનો મુદો શું છે એ સમજવાની જરૂર છે અને એમાં આગળ વધતા
પહેલા પૂરતો વિચાર અને ચર્ચા પણ જરૂરી છે.
મકાઇ : અમેરિકા મકાઇના ઉત્પાદન
અને નિકાસમાં દુનિયામાં અવ્વલ છે. 2024-25માં અમેરિકામાં મકાઇનું ઉત્પાદન 377.7 મિલિયન
ટન થવાની ધારણા છે એની સામે ભારતમાં મકાઇનું ઉત્પાદન ખૂબ જ ઓછું 42.3 મિલિયન ટન થવાની
ધારણા છે. અમેરિકામાં ઉત્પાદિત 94 ટકા મકાઇ જિનેટિકલી મોડિફાઇડ (જીએમ) છે જ્યારે જીએમ
મકાઇનું વાવેતર જ નથી થતું અને ભારત મકાઇની નિકાસ પણ નથી કરતું.
આમાં એક પ્રસ્તાવ એ છે કે માત્ર
ઇથેનોલ બનાવવા માટે ભારત જીએમ મકાઇની આયાત શરૂ કરે, ભારતમાં પેટ્રોલ સાથે મિક્સ કરવા
માટે જરૂરી ઇથેનોલનો 46 ટકા હિસ્સો મકાઇમાંથી જ બનાવવામાં આવે છે. જો કે આ પ્રસ્તાવ
સામે સાકરની મિલો તરફથી વિરોધ થઇ રહ્યો છે. સાકર કારખાનાઓને એ ભય છે કે જો મકાઇમાંથી
ઇથેનોલ બનાવવાનું પ્રમાણ વધે તો શેરડીમાંથી ઇથેનોલ બનાવવાનું પ્રમાણ ઘટશે.
ઇથેનોલ : મકાઇની જેમ ઇથેનોલના
ઉત્પાદન અને નિકાસમાં પણ અમેરિકા દુનિયામાં નંબર વન છે. 2024માં અમેરિકાએ 4.3 બિલિયન
ડોલરની ઇથેનોલની નિકાસ કરી હતી જેમાં કેનેડા (1.5 બિલિયન ડોલર) અને બ્રિટન (535.1 મિલિયન
ડોલર) બાદ ત્રીજા નંબરે ભારતમાં (441.3 મિલિયન ડોલર) નિકાસ હતી. જો કે ભારતમાં ઇથેનોલની
આયાત માત્ર દવા અને કેમિકલ બનાવવાના હેતુથી કરવામાં આવે છે, પેટ્રોલ અને ડીઝલમાં મિક્સ
કરવા માટે ઇથેનોલ આયાત નથી કરાતું. હવે અમેરિકા ભારતમાં ઇથોનોલની નિકાસ વધારવા માગે
છે, આ ત્યારે જ શક્ય બને જો ભારત ઇંધણમાં ઇથોનોલનો ઉપયોગ કરવા માટે સંમત થાય પરંતુ
ભારત સરકારના ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઇપીબી) કાર્યક્રમનું લક્ષ્ય ઇંધણની આયાત ઘટાડવાનું
છે.
સોયાબીન : બ્રાઝિલ બાદ અમેરિકા
સોયાબીન ઉત્પાદન અને નિકાસમાં વિશ્વમાં બીજા નંબરે છે. અમેરિકામાં 96 ટકા અને બ્રાઝિલમાં
99 ટકા જમીનમાં જીએમ ખેતી થાય છે એની સામે ભારતમાં જીએમ ક્રોપનું પ્રમાણ નહીંવત્ છે.
જો કે ભારત માત્ર જીએમ સોયાબીન તેલની જ આયાત કરે છે કાચા સોયાબીન અને એમાંથી નીકળતા
(ડી-ઓઇલ્ડ કેક) કે ખોળની આયાત પર ભારતમાં પ્રતિબંધ છે. આનું કારણ એ છે કે આ ખોળમાં
જીએમ પ્રોટીન હોય છે.
તાજેતરમાં નીતિ આયોગે સરકારને
ભલામણ કરી હતી કે જીએમ સોયાબીનની આયાત કરીને એમાંથી તેલ કાઢીને ભારતની બજારોમાં વેચી
શકાય અને ખોળની અન્ય દેશોમાં નિકાસ કરી શકાય. જો કે આમાં મુદો એ છે કે ભારતમાં સોયાબીનની
ખેતી 1.3 હૅક્ટર જમીનમાં કરવામાં આવે છે અને ખાસ કરીને મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને
રાજસ્થાન એમાં અગ્રેસર છે. આ ત્રણેય રાજ્યોમાં હાલમાં ભાજપની સરકાર છે અને સોયાબીન
ટેકાના ભાવથી પણ સસ્તા વેચાય છે. આના કારણે જીએમ સોયાબીનની આયાતને મંજૂરી ભારતમાં રાજકીય
રીતે આસાન નિર્ણય નથી.
ડેરી ઉત્પાદનો : ડેરી ઉત્પાદનોમાં
મિલ્ક પાઉડર અને બટરના વેપારમાં અમેરિકાથી ન્યૂ ઝિલેન્ડ અને યુરોપિય સંઘ આગળ છે. ભારત
જે ડેરી ઉત્પાદનો આયાત કરે છે એમાં પનીર ઉપર 30 ટકા, બટર ઉપર 40 ટકા અને મિલ્ક પાઉડર
ઉપર 60 ટકા આયાત શુલ્ક વસૂલે છે. જો કે ભારતમાં ડેરી ઉદ્યોગ અને ઉત્પાદનોના કેટલાક
સ્પષ્ટ નિયમ અને કાયદા છે. આમાં મુખ્ય નિયમ તો એ છે કે ભારત જે ડેરી ઉત્પાદનોની આયાત
કરે છે એનું ઉત્પાદન કરતા પશુઓના ચારામાં માંસ, રક્ત જેવી વસ્તુઓ ન હોય. આના કારણે
કોઇ પણ સંજોગોમાં ભારત ડેરી ઉત્પાદનોના મામલે અમેરિકા સાથે વેપારમાં કોઇ છૂટ નહીં આપે
એવું માનવામાં આવે છે.