• મંગળવાર, 03 માર્ચ, 2026

‘જી રામ જી’ બિલ લોકસભામાં મુકાયું

ગ્રામસ્વરાજની યોજનામાંથી ગાંધીજીનું નામ હટાવાતા વિપક્ષોનો હોબાળો

આનંદ કે. વ્યાસ

નવી દિલ્હી, તા. 16 : સોમવારથી જેની ચર્ચા ચાલી રહી છે એ વિકસિત ભારત-ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામિણ) એટલે કે વિકસિત ભારત- જી રામ જી ખરડો આજે લોકસભામાં મુકાતા જ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. મોદી સરકાર તરફથી મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી ઍક્ટ. 2005 એટલે કે મનરેગાના સ્થાને વિકસિત ભારત - જી રામ જી ખરડો કેન્દ્રના કૃષિપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે લોકસભામાં પ્રસ્તુત કર્યું હતું. વિપક્ષે આ બિલ રજૂ થતાં જ હોબાળો મચાવ્યો હતો. કૉંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ મનરેગાના સ્થાને આ બિલ લાવવા સામે ભારે વિરોધ દર્શાવ્યો હતો.

ચૌહાણે કહ્યું હતું કે 2047 સુધીમાં વિકસિત ભારત નિર્માણની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાકલને અનુરૂપ આ નવું બિલ એટલા માટે તૈયાર કરાયું છે કે મહાત્મા ગાંધીએ કહ્યું છે કે ગ્રામિણ ભારતને સશક્ત કરવાથી જ દેશમાં રામરાજ્ય આવશે. બાપુની કલ્પનાને સાકાર કરવા એનું નામ બદલવામાં આવ્યું છે. 

લોકસભામાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે જ્યારે કૉંગ્રેસના વડપણ હેઠળની ડૉ મનમોહન સરકાર મનરેગા બિલ લાવી ત્યારે સંસદના તમામ પાર્ટીના સાંસદોએ એના ઉપર સહમતી દર્શાવી હતી. કેમ કે એમાં દેશના સૌથી ગરીબ નાગરિકને પણ રોજગાર મળવાની ગેરંટી છે.  કેન્દ્ર સરકાર મનરેગાના બદલે આ બિલ લાવી છે એ અધિનિયમ જ બંધારણની આ મૂળ ભાવનાથી વિપરિત છે. આ બિલથી રોજગારનો કાનૂની અધિકાર નબળો પડે છે.  મનરેગામાં 90 ટકા રકમ કેન્દ્ર તરફથી આપવામાં આવે છે. એની સામે આ નવા અધિનિયમથી મોટા ભાગના રાજ્યોને કેન્દ્ર તરફથી અનુદાન માત્ર 60 ટકા જ મળશે. આના કારણે પ્રદેશોની અર્થવ્યવસ્થા ઉપર બોજો વધશે. કેન્દ્રના આ નવાં બિલથી યોજના ઉપર કેન્દ્રનું નિયંત્રણ વધશે અને જવાબદારી ઘટશે.

પ્રિયંકા ગાંધીએ મહાત્મા ગાંધીના નામ સાથે જોડાયેલી મનરેગા યોજનાનું નામ બદલવા ઉપર સવાલ ઉઠાવ્યો હતો કે કેન્દ્ર સરકારને દરેક સ્થળો, રોડ અને યોજનાનું નામ બદલવાનું જે પાગલપન છે એ સમજમાં નથી આવતું. જ્યારે પણ સરકાર યોજનાનું નામ બદલે છે એના ઉપર ખર્ચ કરવો પડે છે. સ્થાયી સમિતિ સમક્ષ આ બિલને મોકલવાની માગણી કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે ચર્ચા વગર અને ગૃહમાં સલાહ-સૂચનો વગર આ બિલને પાસ ન કરી શકાય.  પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે મહાત્મા ગાંધી મારા પરિવારના નથી આમ છતાં એ મારા પરિવારના હોય એવું જ લાગે છે, આવી જ ભાવના દરેક ભારતીયોની છે. 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક