આતંકી પાક.પિતા-પુત્ર ફિલિપાઈન્સ ગયા હોવાનો ખુલાસો, લશ્કરી તાલીમ લીધી હતી
સિડની, તા.16 : ગત રવિવારે સાંજે
ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત બોન્ડી બીચ પર થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં સામેલ પિતા-પુત્ર
અંગે ચોંકાવનારા ખુલાસા થઈ રહયા છે.
હુમલાખોરોની ઓળખ 50 વર્ષીય સાજિદ
અકરમ અને તેના 24 વર્ષીય પુત્ર નાવેદ અકરમ તરીકે કરવામાં આવી છે. પોલીસની ગોળીબારમાં
સાજિદ અકરમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે નાવેદ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને
તે હોસ્પિટલમાં પોલીસ કસ્ટડીમાં છે. પોલીસે ખુલાસો કર્યો છે કે આરોપી આતંકવાદીઓ ભારતીય
પાસપોર્ટનો ઉપયોગ કરીને ફિલિપાઇન્સ ગયા હતા. બંને શંકાસ્પદ પાકિસ્તાની મૂળના હોવાનું
કહેવાય છે.
ફિલિપાઇન્સના ઇમિગ્રેશન અધિકારીઓના
જણાવ્યા અનુસાર બન્ને હુમલાખોરો નવેમ્બરમાં ફિલિપાઇન્સની યાત્રા કરી હતી. તેઓ 1 નવેમ્બરે
પહોંચ્યા હતા અને 28 નવેમ્બરે પાછા ફર્યા હતા. સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ
લશ્કરી શૈલીની તાલીમ મેળવવા માટે ત્યાં ગયા હતા. ફિલિપાઇન તેના દક્ષિણ પ્રદેશ માટે
જાણીતું છે જે ઇસ્લામિક આતંકવાદીઓનું ઘર છે. ઓસ્ટ્રેલિયન પોલીસ અને એફબીઆઈ આ પ્રવાસની
તપાસ કરી રહી છે.
ફિલિપાઇન્સ બ્યુરો ઓફ ઇમિગ્રેશનના
પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયન નાગરિક નવીદ અકરમ 1 નવેમ્બરના રોજ તેના પિતા
સાથે દેશમાં પ્રવેશ્યો હતો. તેના પિતા સાજિદ અકરમ ભારતીય પાસપોર્ટ પર મુસાફરી કરી રહ્યા
હતા. બન્ને વ્યક્તિઓએ પોતાનું અંતિમ સ્થળ દાવોઓ હોવાનું જણાવ્યું હતું, જે મિંડાનાઓ
ટાપુ પરનું મુખ્ય શહેર છે જેનો ઇસ્લામિક ઉગ્રવાદનો ઇતિહાસ છે. રવિવારના હુમલાના બે
અઠવાડિયા પહેલા, 28 નવેમ્બરના રોજ બંને વ્યક્તિઓ ફિલિપાઇન્સ છોડી ગયા હોવાના અહેવાલ
છે.