નવી દિલ્હી, તા. 25 : ગુરુવારથી ‘નૌતપા’ શરૂ થઈ ગયું છે, પરંતુ આ નવ દિવસમાં ગરમીથી રાહત મળી શકે છે. હવામાન વિભાગ અનુસાર મેના અંતિમ સપ્તાહ સુધી રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત 13 રાજ્યમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને ઘણા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ચોમાસું સામાન્ય રીતે કેરળમાં 1 જૂને આવે છે, પરંતુ આ વર્ષે તે પાંચ થી 9 જૂનની વચ્ચે ટકરાઇ થઈ શકે છે.
જૂનમાં ચોમાસાના પવનો પણ નબળા રહેવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પોર્ટ બ્લેરથી 425 કિ.મી. દૂર નાનકોવરી દ્વીપ પર ચોમાસું અટકી ગયું છે. તે છ દિવસથી આગળ વધતું નથી જેના કારણે દેશમાં ચોમાસું ચાર-પાંચ દિવસના વિલંબ સાથે પહોંચી શકે છે. વરિષ્ઠ હવામાનશાસ્ત્રી એચ. એસ. પાંડેએ જણાવ્યું કે, અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતથી ભેજ આવી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ 23 મેથી સક્રિય છે. આ સિસ્ટમ મે મહિનાના અંતિમ દિવસો સુધી યથાવત રહેવાની શક્યતા છે.