• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

મોરબીમાં સિસો થાઈ સ્પામાં SOGનું ચાકિંગ, મેનેજર સામે ગુનો

સ્પા વર્કરોની પોલીસ નોંધણી અને સીસીટીવી રેકોર્ડિંગ અંગે જાહેરનામાનો ભંગ કર્યાનો આક્ષેપ

 મોરબી, તા. 23: મોરબી એસઓજીની ટીમે ટીંબડી ગામની સીમમાં અશ્વમેઘ હોટલ સામે આવેલા ઓરબિટ-2 કોમ્પલેક્સમાં ચાલતા સિસો થાઈ સ્પામાં અચાનક ચાકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટના સ્પા અને પાર્લર અંગેના જાહેરનામાની જોગવાઈઓનું પાલન ન થતું હોવાનું સામે આવતા સ્પા મેનેજર સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે.

 પ્રાપ્ત વિગતો મુજબ આજે એસઓજીનો સ્ટાફ પેટ્રાલિંગમાં હતો. દરમિયાન ટીમે ટીંબડી ગામની સીમમાં ઓરબિટ-2 કોમ્પલેક્સના ત્રીજા માળે આવેલા સિસો થાઈ સ્પામાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્પાના કાઉન્ટર પર એક શખસ મળી આવ્યો હતો. પોલીસે તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ ગોયારામ ડેસોકુમાર રીયાંગ (ઉંમર 20), વ્યવસાયે સ્પા મેનેજર, મૂળ રહેવાસી મામીત, મિઝોરમ હોવાનું જણાવ્યું હતું. પોલીસે મેનેજર પાસે સ્પામાં કામ કરતી છ સ્પા વર્કર મહિલાઓના બાયોડેટા ફોર્મ તેમજ પોલીસ સ્ટેશનમાં કરાયેલી નોંધણી અંગે પૂછપરછ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આ મહિલાઓ અંગે પોલીસ સ્ટેશનમાં જરૂરી નોંધણી કરાવવામાં આવી નહોતી. ઉપરાંત, સ્પામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ પણ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ સાચવી રાખવામાં આવતું ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ રીતે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાની જોગવાઈઓનું પાલન ન કરવા બદલ પોલીસે સ્પા મેનેજરને નોટિસ આપી હતી. ત્યારબાદ ગોયારામ રીયાંગ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક