• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

અપરાધી સાથે સંબંધ હશે તો પોલીસમેન સસ્પેન્ડ થશે

રાજકોટ રેન્જ આઇજી દ્વારા ડી-સ્ટાફના કર્મચારીઓ પાસેથી 7 મુદ્દાની માહિતી મગાવાઈ

રાજકોટ, તા.23 : રાજકોટ રેન્જમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત અને પારદર્શક બનાવવા માટે રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા એક કડક નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત રેન્જ હેઠળ આવતા રાજકોટ ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા, જામનગર અને સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા ડી-સ્ટાફના કર્મચારીઓ પાસેથી ખાસ સાત મુદ્દાની વિગતો માગવામાં આવી છે, જેમાં કર્મચારીના સગા-સંબંધીઓમાં કોઈ હિસ્ટ્રીશીટર કે બુટલેગર છે કે નહીં તેની સ્પષ્ટ માહિતી આપવાનું જણાવવામાં આવ્યું છે.

આ માહિતીના આધારે આગામી દિવસોમાં ડી-સ્ટાફની કાર્યપદ્ધતિમાં મોટો ફેરફાર કરી અપરાધિ સાથે સબંધ ધરાવતા અધિકારીને સસ્પેન્ડ કરી માત્ર સ્વચ્છ અને લાયક છબી ધરાવતા પોલીસકર્મીઓને જ જવાબદારી સોંપવામાં આવશે. અગાઉ કેટલાક કિસ્સાઓમાં પોલીસકર્મીઓની શંકાસ્પદ ભૂમિકા સામે આવતા સસ્પેન્શન સુધીની કડક કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આ નવા પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ બેડામાંથી ભ્રષ્ટાચાર અને ગુનાહિત જોડાણોને નાબૂદ કરી પ્રજાને સાચો ન્યાય અને રક્ષણ અપાવવાનો છે.

રેન્જ આઈજી દ્વારા માગવામાં આવેલી વિગતો 

ગુનાહિત ઇતિહાસની તપાસ : આ નવા આદેશ અનુસાર, ડી-સ્ટાફમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ અને તેમના સગા-સંબંધીઓમાં કોઈ હિસ્ટ્રીશીટર, બુટલેગર કે ગુનેગાર છે કે નહીં તેની સ્પષ્ટ વિગતો મગાવવામાં આવી છે.

મૂળ વતન અને સરનામું : કર્મચારીનું નામ, મૂળ વતન, હાલનું સરનામું તેમજ તેઓ કેટલા સમયથી ડી-સ્ટાફમાં ફરજ બજાવી રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આપવાની રહેશે.

સંબંધોની સ્પષ્ટતા : જો કોઈ સગા-સંબંધીનો ગુનાહિત રેકોર્ડ હોય, તો તેમનું નામ અને કર્મચારી સાથેનો તેમનો શું સંબંધ છે તે પણ જણાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક