તલવાર-લાકડીઓ સાથે હુમલો અને પથ્થરમારો : મકાન, લાઈટ મીટર અને ઘરવખરીમાં તોડફોડ, 24 સામે ગુનો
ભાવનગર, તા.20: ભાવનગરના કુંભારવાડા
વિસ્તારમાં નારી રોડ પર આવેલી ક્રિષ્ના સોસાયટીમાં જૂની અદાવતને લઈને બે જૂથ વચ્ચે
સશસ્ત્ર ધિંગાણું અને પથ્થરમારો થયો હતો. બંને પક્ષે સામસામે ગાળાગાળી કરી લાકડીઓ અને
તલવાર જેવાં હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ દરમિયાન મકાન, લાઈટ મીટર અને ઘરવખરીમાં
તોડફોડ થતાં વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,
ગત તા. 16ની રાત્રે જૂની બોલાચાલીનું સમાધાન કરવા એકઠા થયેલા લોકો વચ્ચે ફરી તકરાર
થઈ હતી. ત્યારબાદ તા. 18 ઓક્ટોબરની રાત્રે જૂની અદાવતનો બદલો લેવા એક જૂથે બાવચંદભાઈ
રાઠોડના ઘર પર હુમલો કરી તોડફોડ કરી હતી. આ ઘટનામાં મકાન અને લાઈટ મીટરને નુકસાન પહોંચાડવામાં
આવ્યું હતું. બનાવ બાદ બંને પક્ષોએ સામાજિક સ્તરે સમાધાન કરી પોલીસ ફરિયાદ કરવાનું
ટાળ્યું હતું.
જોકે, તહેવારો દરમિયાન જાહેર
શાંતિ જળવાઈ રહે તે માટે બોરતળાવ પોલીસના એ.એસ.આઈ. પૃથ્વીરાજાસિંહ ગોહીલે સીસીટીવી
ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. ફૂટેજની ચકાસણી બાદ પોલીસે બંને પક્ષના બાવચંદ રાઠોડ,
ભોલા રાઠોડ, બાબુ રાઠોડ, પ્રવિણ ઉર્ફે દાઉદ, અશોક મકવાણા, ધર્મેશ ગજ્જર અને દેવેન્દ્ર
રાજપૂત સહિત કુલ 24 શખસ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા જી.પી. એક્ટ હેઠળ
ગુનો નોંધ્યો છે. પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.