• બુધવાર, 02 એપ્રિલ, 2025

નવા અને પહોળા રસ્તા બની રહ્યા છે સ્ટંટ-શૂટના સ્થાન


ન્યૂ રાજકોટ, સ્માર્ટસિટી, અટલ સરોવરથી લઈ આખા રીંગરોડ સહિતના વિસ્તારોમાં રીલ, સ્ટંટના શૂટિંગ : પેટ્રોલિંગમાં નીકળતી પોલીસને નથી દેખાતું તે સીધું રિલમાં લાખો લોકો જોવે છે

 

નિલેશ તન્ના

 

રાજકોટ તા.23: ફેસબૂક કે ઈન્સ્ટાગ્રામ જેવી કોઈ પણ એપ્લિકેશન ખોલીએ એટલે તરત કેટલાંક રીલ તો અનિવાર્યપણે દેખાય જ. જોક્સ કે વાનગીના દૃષ્યો આવે તે પુર્વે કોઈ વિસ્તારમાં થયેલી મારામારી, ક્યાંક બાઈક કે કારમાં થતા સ્ટંટના વીડિયો આવે. અને તેની નીચે જોઈએ તો હજારો લોકોએ તે જોયા હોવાના આંકડા પણ હોય. અકસ્માતને રોકી ન શકાય પરંતુ સ્ટંટને નિયંત્રિત કરી શકાય. રાજકોટના નવા રીંગરોડ, સ્માર્ટસિટી, અટલ સરોવરની આસપાસના વિસ્તારોમાં આવા સ્ટંટના શૂટિંગ થતા રહે છે. કોઈ રોકાનારું નથી.

થોડા દિવસો પહેલાં એક યુવતીનો વીડિયો વાયરલ થયો હતો જેણે અંગ્રેજીમાં 22 ઈંધણથી લખી તેના ઉપર દીવાસળી ફેંકી પોતાના જન્મદિવસની ઉજવણીનું રીલ બનાવીને વાયરલ કર્યું હતું. આવા તો અનેક રીલ આખા દિવસમાં જોઈ શકાય છે. દરેક માણસને પોતાની અંગત જીંદગી હોય પરંતુ તે અંગત જ હોય તેના આમ દેખાડા થાય તે યોગ્ય નથી. આવા રીલના સ્થાનો તો લગભગ નક્કી છે. ત્યાં પોલીસ પેટ્રોલિંગ પણ થતું હોય છે પરંતુ આવું બધું સીધું રીલ દ્વારા લોકોને જ દેખાય છે. પોલીસને તે કેમ નજરે પડતું નથી તે પ્રશ્ન અગત્યનો છે.  આ સ્ટંટના રીલ અન્ય યુવાનોને પણ જોખમ તરફ દોરે છે. સઘન કાર્યવાહી જરુરી છે.

જાહેરનામા ભંગ અને રેસ્ટ ડ્રાઈવની કલમ હેઠળ  કાર્યવાહી : ડીસીપી બાંગરવા

જોખમી સ્ંટટ સહિતનાં વાયરલ થતા વીડીયો મામલે ડીસીપી-ઝોન-ર જગદીશ બાંગરવાએ જણાવ્યુ હતુ.કે સોસિયલ મીડીયામાં રીલ બનાવી લાઈક મેળવવાના ચકકરમાં યુવાનો કેરીયર બગાડી રહ્યા છે તેમજ આવા બનાવોમાં પોલીસ દ્વારા જાહેરનામા ભંગની કલમ રર3 અને રેસ્ટ ડ્રાઈવની કલમ ર81 મુજબ અટકાયતની અને દંડની કાર્યવાહી કરવામાં આવે છે તેમજ એમ.વી.એકટની  જુદી-જુદી કલમ હેઠળ દંડ અને ડીટેઈનની પણ કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

ઇ-પેપરના નવા શુલ્ક