મ્યુનિ. કમિશનર જગદીશનના સમયમાં ટી.પી. અમલમાં આવતા જિલ્લા ગાર્ડનથી નદી કાંઠાવાળો
રાજકોટ, તા.1 : જંગલેશ્વરમાં હજારો પરિવાર ચિંતામાં દિવસો પસાર કરી રહ્યાં છે. આ વિસ્તારમાં નજીકના સમયમાં ડિમોલિશન થાય તેવી પૂરી શક્યતા છે. જંગલેશ્વર વિસ્તાર અગાઉ પણ ડિમોલિશનને લઈને ચર્ચામાં રહી ચૂક્યો છે. જેમાં રાજકોટના ઠાકોર મનોહરસિંહજી, પૂર્વ મંત્રીઓ અને પૂર્વ મ્યુનિસિપાલ કમિશનર સહિતનાઓમાંથી કોઈએ આ વિસ્તારનું ભલુ ઈચ્છયું તો કોઈની કામગીરી સામે અનેક સવાલ સાથે રોષ ઉઠયો હતો.
જંગલેશ્વર વિસ્તાર અગાઉ રાંદરડા તરીકે ઓળખાતો હતો. સમય જતાં અહીં નદી કાંઠાના ખરાબામાં રહેણાક વધતા ગયાં. જે તે સમયે આ વિસ્તાર ઘાંચીવાડ, કુંભારવાડી, મોટી ટાંકી, બાપુનગર, પટેલ નગરથી લઈને હાલનો રિંગ રોડ સુધી એક જ વોર્ડ ગણાતો હતો. તેમાં પાંચ કોર્પોરેટર હતા. જે તે સમયે ટી.પી. અમલમાં આવતા મ્યુનિ. કમિશનર જગદીશનના સમયમાં જિલ્લા ગાર્ડનથી નદી કાંઠાવાળો 50 ફૂટનો મુખ્ય રસ્તો મંજૂર થયો હતો. આ રસ્તો નદી તરફે છેડો જિલ્લા ગાર્ડન, કાળા પથ્થરની ટાંકીની દીવાલથી લઈને સ્મશાનની અત્યારની દીવાલને મળતી હતી. ત્યાંથી આગળ શિવ મંદિરની દેરીને અડે એ રીતે નક્શામાં બતાવ્યો હતો. આ રસ્તો સીધો રિંગ રોડ અને ખોખળદડી નદીના પુલના છેડાને મળી જતો. જેમાં આ સળંગ ધારથી 50 ફૂટ મૂકીને બાકીનાં મકાન સૂચિત સોસાયટી, આવાસના ક્વાર્ટર, મફતીયું બાદ કરીને રસ્તો કાઢવા તત્કાલિન કમિશનર જગદીશને સૂચવ્યું હતું. આ રસ્તો બાદ કરતા જે લોકો રહે છે તેને જંત્રી મુજબના ભાવ આપી રેગ્યુલરાઇઝ્ડ કરી આપવા મિટિંગ કરી હતી ત્યારે કોઈ રહેવાસી જંત્રી મુજબ પણ ભાવ ભરી શકે તેમ ન હોવાથી મંત્રી મનોહરસિંહે ટોકન ભાવે જગ્યા આપવા રજૂઆત કરી હતી.
મ્યુનિ.કમિશનર ગુપ્તાના સમયમાં સ્મશાન બાજુમાં આવેલા એકતા કોલોની વિસ્તારને નદી બાજુ લઈને શાળા નં.70 સુધી રાખી બાકી નદીમાં રહેલી વસાહતને દૂર કરી વૈકલ્પિક જગ્યા આપવા મનપા સહમત થયું હતું. પછી કોઈ રાજકીય દબાણ કામ કરી જતાં આ નદીને બદલે શાળા નં.70નો વિસ્તાર જૂનો દલીતવાસ, મુસ્લિમ, માલધારી, દેવીપૂજક વગેરે વિસ્તાર પાડવા માગ કરાઈ હતી. તે સમયે કોર્પોરેટરોએ વૈકલ્પિક જગ્યા ન મળે ત્યાં સુધી ન પાડવાની માગ સાથે ઉપવાસ આંદોનલ શરૂ કરતા ડિમોલિશન અટકી ગયું હતું.