વાંકાનેરના શખ્સે સગા ફઈના પુત્ર સહિતના રાજકોટના યુવાનોને શીશામાં ઉતારી રૂ.7.05 લાખ ખંખેરી લીધા
રાજકોટ,તા.20: રાજકોટમાં રહેતા છ યુવાનોને રેલવે સ્ટેશનમાં સફાઈનો કોન્ટ્રાક્ટ અને રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી અપાવવાની લાલચ આપી વાંકાનેરના શખ્સે રૂ.7.05 લાખની છેતરપીંડી આચર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. આરોપીએ તેના ફઈના પુત્રને પણ છોડયો ન હતો. તેને પણ નોકરીની લાલચ આપી નાણા પડાવી લીધા હતા.
જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમાં આવેલી ભાટિયા સોસાયટી શિવપાર્કમાં રહેતા રૂષિત અરાવિંદભાઈ વ્યાસ નામના શખ્સ વિરુદ્ધ રાજકોટમાં વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા કલ્પેશભાઈ જોશીએ બી ડીવીઝન પોલીસ મથકમાં અને 80 ફૂટ રોડ ઉપર આજીવસાહત પાસે આંબેડકરનગરમાં રહેતા સંજયભાઈ અમૃતભાઈ વાઘેલાએ થોરાળા પોલીસ મથકમાં છેતરપીંડીની જુદી જુદી બે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ રૂષિત વ્યાસે કલ્પેશભાઈ જોશીને રેલવે વિભાગમાં ગુજરાત રાજ્યમાં અલગ અલગ રેલવે સ્ટેશનમાં સફાઈનો કોન્ટ્રાક્ટ અપાવવાનું અને ટેન્ડર અપાવી દેવાનું કહી રૂપિયા 5,74,200 તેમજ કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી અપાવાની ખાતરી આપી સ્મીતભાઈ પાસેથઈ 12 હજાર, આશુતોષભાઈ પાસેથી 12,960, દિલીપભાઈ પાસેથી 8,290 અને સુનિલભાઈ પાસેથી 89,650 ગુગલપે તેમજ બેન્ક મારફતે મેળવ્યા હતાં. આ ઉપરાંત સંજયભાઈ વાઘેલાને કોન્ટ્રાક્ટ બેજ પર નોકરી અપાવવાની લાલચ આપી રજીસ્ટ્રેશન પેટે રૂા. 7,287 અને યુનિફોમ પેટે રૂા. 1000 મળી કુલ રૂા. 8,287ની છેતરપીંડી આચરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. બંને ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસ અને થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છેતરપીંડી આચરનાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.