• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

સિગરેટ પીવાની ના પાડતા પેટ્રોલ પંપ પર છરીઓ ઉડી : બે ઇસમની ધરપકડ

 

કારમાં આવેલા બે શખસએ ફીલરમેનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી 

રાજકોટ, તા.10:  સીએનજી પંપ ખાતે સિગરેટ પીવાની ના પાડતા ફિલરમેન પર છરી વડે હુમલો કરાતા ફિલરમેનને માથાના ભાગે ઈજા પહોંચી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે પેટ્રોલ પંપ ખાતે ધમાલ મચાવનારા બંને શખસને ઝડપી લઇ વધુ તપાસ શરુ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના આજીડેમ પોલીસ મથક ખાતે 22 વર્ષીય  અમન ફિરોજભાઈ પઢીયારએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, કોઠારીયા ગામ ખાતે ધનલક્ષ્મી પેટ્રોલપંપમાં નોકરી કરું છું. તા.9 ઓગસ્ટના રોજ રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યા આસપાસ ધનલક્ષ્મી પેટ્રોલપંપ કોઠારીયા ગામ ખાતે મારી નોકરી પર હતો. દરમિયાન ત્યાં એક બ્લુ કલરની સ્વીફ્ટ ગાડી આવી ઉભી રહી અને તેની અંદર રહેલ બે લોકો સિગારેટ પીતા હતા. જેથી મે તેઓને પેટ્રોલપંપમાં સિગારેટ પીવાની ના પાડી હતી. જેથી બંને ઉશ્કેરાઈ ગયા અને મને વગર કારણે ગાળો દેવા લાગ્યા હતા. આથી મેં તેઓને ગાળો દેવાની ના પાડતા તેમાંથી એક વ્યક્તિ નીચે ઉતરી મને માર મારવા લાગ્યો અને ગાડીમાંથી છરો કાઢી મને માથે-શરીરે છરીના ઘા મારી દીધા હતા. જ્યારે તેની સાથેના અન્ય વ્યક્તિએ પણ મને ઢીંકાપાટુનો માર માર્યો હતો. મેં બુમાબુમ કરતા મારા સુપરવાઇઝર રમેશભાઇ વ્રજલાલભાઈ રાઠોડ તથા સાથી કર્મચારી પ્રકાશભાઈ તથા ભીખુભાઇ અને અન્ય સાથી કર્મચારીઓ મને છોડાવવા માટે વચ્ચે પડી મને છોડાવ્યો હતો. તેમજ ત્યાં લોકોનું ટોળુ ભેગું થઈ જતા તેઓ બંને પોતાની સ્વીફ્ટ ગાડી લઇ જતા રહ્યા હતા. જોકે જતા જતા કહેતા ગયા હતા કે તમે બધા માપમાં રહેજો અને તું છાનોમાનો ઘરે જતો રહેજે. જો અમારી ઉપર ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખીશું. પોલીસે સીસીટીવી અને ફરિયાદના આધારે બંને શખસની શોધખોળ આદરી હતી.

સવારે બંને પકડાયા

ઘટના બાદ આજીડેમ પોલીસે બંનેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રાલિંગ સમયે એએસઆઈ હેમદીપભાઈએ દર્શિત દુશ્યન્તભાઈ દલાલ અને ધ્રુવ સુનીલગીરી ગૌસ્વામીને ઝડપી લઇ વધુ પુછતાછ હાથ

ધરી છે. 


મારામારી કરનાર ડ્રાઈવર સસ્પેન્ડ 

રાજકોટ, તા. 10: રાજકોટ-મોરબી રૂટની બસમાં બેસવા બાબતે રાજકોટ બસપોર્ટ પર મહિલા મુસાફર અને ડ્રાઈવવર વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ ડ્રાઈવરે મહિલા મુસાફર પર હાથ ઉપાડતા હોબાળો મચ્યો હતો. એસટી બસના ડ્રાઇવર નરેન્દ્રાસિંહ જાડેજા અને એક મહિલા સાથે મારામારી થયાનો આ વિડીયો વાયરલ થયો હતો. આ બાબતે પ્રાપ્ત અહેવાલો મુજબ, આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ, વાઈરલ વીડિયોના આધારે ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દેવાયો છે તેમજ તેની સામે હવે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી શકે છે. આ વિડીયો 8 તારીખનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક