• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

વરસાદની સંભાવના વચ્ચે પણ મેળો માણવા લોકોમાં અનેરો ઉત્સાહ


શૌર્યનું સિંદૂર લોકમેળાની તૈયારી પૂર્ણતાના આરે, ફજત-ફાળકા સજ્જ થઈ ચૂક્યા, હવામાન વિભાગની આગાહીને પગલે વરસતા વરસાદમાં પણ લોકો મેળામાં મ્હાલશે

 

રાજકોટ, તા.10 : શહેરના રેસકોર્સમાં તા.14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનાર જન્માષ્ટમીના લોકમેળા આડે હવે ત્રણ

દિવસ બાકી છે. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે, ફજત-ફાળકા પણ સજ્જ થઈ ચૂક્યા છે. રાજકોટવાસીઓમાં પણ ઉત્સાહ બમણો છે, પરંતુ આ વર્ષે પણ મેઘરાજા મેળાની મજા બગાડે તેવી શક્યતા છે. કારણ કે, જન્માષ્ટમી પર્વે જ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગત વર્ષે મેઘરાજાની ધમાકેદાર બાટિંગના કારણે પાંચ દિવસનો જન્માષ્ટમીનો મેળો વરસાદમાં ધોવાઈ ગયો હતો અને લોકોના ઉત્સાહ સાથે વેપારીઓની આશા ઉપર પાણી ફરી વળ્યું હતુ. બાદમાં વહીવટી તંત્ર દ્વારા સ્ટોલ અને પ્લોટના લીધેલા તમામ નાણાં વેપારીઓને પરત આપી દીધા હતા. પરંતુ મેળાપ્રેમીઓને મેળો ન માણી શક્યાનો વસવસો આખુ વર્ષ રહ્યું છે. તે મહેચ્છા આ વર્ષે પૂરી કરી લેશું તેવું નક્કી કરી નાખ્યું હતું, હમણા સુધી વરસાદના કોઈ એંધાણ પણ ન હતા પરંતુ હવે હવામાન વિભાગની આગાહીને પગલે મેળાપ્રેમીઓમાં ફરી હતાશા પ્રસરી રહી છે.

જો કે, લોકો તો એમ પણ કહી રહ્યાં છે કે, આ મેળો છે એ રંગીલા રાજકોટનો મેળો છે. ગમે તેવી આફત આવે તો પણ મેળાની મજા માણવા અમે ચોક્કસ જશું. ગયા વર્ષ તો મેળો જ રદ્ કરવામાં આવ્યો હતો, પરંતુ આ વર્ષે મેળો ચાલુ રાખવામાં આવે તેવી આશા અને ઈચ્છા પણ છે. વરસાદમાં પલળતા મેળાની મજા માણવાનો પણ એક લ્હાવો છે. જેથી ભલે ગમે તેટલો વરસાદ આવે પણ મેળો ચાલુ રખાશે તો મેળે મેળે મેળામાં તો જવાના જ.

ઇ-પેપરના નવા શુલ્ક