શહેરી વિસ્તારમાં બેફામ દોડતા વાહનો પર ગતિ નિયંત્રણ જેવા પગલાને બદલે શાંતિથી વાહન ચલાવતા લોકોને હેલમેટનો બોજ
રાજકોટ, તા. 3: ચૂંટણી પુરી થતાવેંત રાજ્યભરમાં ફરજીયાત હેલમેટનું તુત ફરી એક વખત ધણધણવા લાગ્યું છે. જેનાથી ફરી એક વખત સામાન્ય લોકોમા આને દંડ ઉઘરાવીને પૈસા ખંખેરવાના માધ્યમ તરીકેની છાપ ઉપસી છે. અકસ્માતો નિવારવા શહેરોમાં બેફામ ગતિએ દોડતા નાના-મોટા વાહનો પર ગતિ નિયંત્રણ જેવા પગલા લેવાને બદલે તંત્ર શાંતિથી વાહન ચલાવતા લોકો પર ફરજીયાત હેલમેટ થોપી રહ્યું છે તેને લોકો બોજ માની રહ્યા છે. એક અંદાજ મુજબ અકસ્માતો શહેરી વિસ્તારમાં વધુ થાય છે પરંતુ જીવલેણ દુર્ઘટના હાઈવે પર વધુ બને છે. માટે હેલમેટનો કાયદો હાઈવે માટે જ લાગુ થાય એવી માગ ઉઠી રહી છે.
હાઈવે પર વાહનોની ગતિ ઘણી વધારે હોય છે. ટુ-વ્હીલર સવાર જ્યારે હાઈવે પર કોઈ મોટા વાહન સાથે અથડાય ત્યારે બચવાની શક્યતા નહિવત રહે છે. હાઈવે પર ટ્રક, ટ્રેલર અને બસ જેવા ભારે વાહનોની અવરજવર વધુ હોય છે. નાના ટુ-વ્હીલર મોટા વાહનોના ’બ્લાઈન્ડ સ્પોટ’માં આવી જવાથી ગંભીર અકસ્માતો થાય છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતા હાઈવે પર ઘણા સવારો હેલ્મેટ નથી પહેરતા, જે જીવલેણ સાબિત થાય છે. હાઈવે પર કટ લેવા માટે કે શોર્ટકટ માટે રોંગ સાઈડમાં ચલાવવું એ ગુજરાતમાં મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક છે.
એકંદરે અકસ્માતની સંખ્યામા શહેરો આગળ છે, પણ જો જીવલેણ અકસ્માતોની વાત કરીએ તો હાઈવે પર સૌથી વધુ મૃત્યુ થાય છે. માટે હાઈવે પર હેલમેટ ફરજીયાત રાખી શહેર-નગરોને એમાંથી મુક્તિ આપવા માગ ઉઠી છે.
શહેરી વિસ્તારોની સ્થિતિ અને હેલમેટ
* અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમા ટ્રાફિક જામ અને સિગ્નલોને કારણે વાહનોની ગતિ ધીમી હોય છે.
* અહીં વાહન અથડાય, સ્લિપ થવું જેવા નાના અકસ્માતો વારંવાર થાય છે, પણ તેમાં અત્યંત ગંભીર ઈજા કે મૃત્યુનું પ્રમાણ હાઈવેની સરખામણીએ ઓછું હોય છે.
* જોકે, શહેરના એવા રસ્તાઓ જે રિંગ રોડ કે ફ્લાયઓવર છે, ત્યાં ગતિ વધુ હોવાથી મૃત્યુના કિસ્સા નોંધાય છે.
* વર્ષ 2022 ના આંકડા મુજબ, મૃત્યુ પામેલા ટુ-વ્હીલર સવારોમાંથી 73% લોકોએ હેલ્મેટ પહેર્યું નહોતું.
અકસ્માત, મૃત્યુ અને આંકડાકીય વિગતો
- વર્ષ 2025: ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેમાં લગભગ 56,100 અકસ્માતો નોંધાયા છે.
- વર્ષ 2023: રાજ્યમાં કુલ 7,854 લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા.
- છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં કુલ 79,054 અકસ્માતોમાં 38,530 લોકોના મૃત્યુ થયા છે.
- કુલ મૃત્યુના 57.42% મૃત્યુ નેશનલ અને સ્ટેટ હાઈવે પર થાય છે.
- બાકીના 42.58% મૃત્યુ શહેરી રસ્તાઓ, ગ્રામ્ય રસ્તાઓ અને અન્ય માર્ગો પર થાય છે.
- માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોમાં સૌથી વધુ સંખ્યા ટુ-વ્હીલર સવારોની છે
- અંદાજે 44% થી 46% મૃત્યુ માત્ર ટુ-વ્હીલર સવારોના હોય છે.
- મૃત્યુ પામનારાઓમાં 73% થી વધુ લોકો 18 થી 45 વર્ષની વયના યુવાનો
હોય છે.