• શનિવાર, 13 જુલાઈ, 2024

યુવા ઇન્ડિયાની ધૂમ ઝિમ્બામ્વેને 23 રને હરાવ્યું

ત્રીજો T-20 : શ્રેણીમાં 2-1ની સરસાઈ, સુકાની ગિલના શાનદાર 66, ઋતુરાજના 49, સુંદરની 3 વિકેટ : શનિવારે ચોથો મુકાબલો

હરારે, તા.10 : ઝિમ્બામ્વે પ્રવાસે ગયેલી ભારતની યુવા ટીમે ધૂમ મચાવતા ત્રીજા ટી-ર0માં મેજબાનને ર3 રને હરાવી પાંચ મેચની શ્રેણીમાં ર-1ની સરસાઈ મેળવી છે. પહેલો મેચ 13 રને જીતી ઝિમ્બામ્વેએ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવ્યા બાદ બીજો મુકાબલો ભારતે 100 રને જીતી શ્રેણીમાં બરાબરી કરી હતી. તા.13ને શનિવારે ચોથો મુકાબલો થશે.

ત્રીજા મુકાબલામાં ઝિમ્બામ્વેની ફિલ્ડિંગ નબળી રહી હતી. સુકાની-સ્પીનર સિકંદર રજાએ બે તથા મુઝારબાનીએ બે વિકેટ ઝડપી હતી. ઝિમ્બામ્વેની શરૂઆત નબળી રહી અને 19ના સ્કોરે જ 3 અને 7 ઓવરમાં 39ના સ્કોરે પ વિકેટ ગુમાવી હતી. છેલ્લે 18 દડામાં 64 રનની જરૂર હતી. ઝિમ્બામ્વેની ટીમ લક્ષ્ય સાધી શકી નહીં અને ર0 ઓવરમાં 6 વિકેટે 1પ9 રન બનાવી શકી હતી. ભારત વતી વોશિંગ્ટન સુંદરે 3, આવેશ ખાને બે તથા એક વિકેટ ખલીલ અહેમદે ઝડપી હતી. સુંદર પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.

આ પહેલાં ભારતીય સુકાની શુભમન ગીલે ટોસ જીતી પહેલા બેટિંગ લીધા બાદ ઝિમ્બામ્વેને 183 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ગિલે કેપ્ટન ઇનિંગ રમતા 49 દડામાં 3 છગ્ગા, 7 ચોગ્ગાની મદદથી 66 રન બનાવ્યા હતા. ઓપનર યશસ્વી જયસ્વાલે ર7 દડામાં 36 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ 10 અને ઋતુરાજ ગાયકવાડના 49 રનની મદદથી ભારતે ર0 ઓવરમાં 4 વિકેટે 18ર રન બનાવ્યા હતા. સંજુ સેમસન 1ર અને રિન્કુ સિંહ એક રને અણનમ રહ્યા હતા. ત્રીજા મેચમાં ભારતીય ટીમમાં મુખ્ય બદલાવમાં સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેનો પ્લેઇંગ 11માં સમાવેશ કરાયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક