• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

કાનપુર ટેસ્ટમાં ઝ-20 જેવી સટાસટી : બાંગલાદેશ સામે ભારતને જીતની તક

આક્રમક બેટિંગ કરી ટીમ ઇન્ડિયાએ ડ્રોની બાજી જીત તરફ ફેરવી : 52 રન પાછળ રહ્યા બાદ બાંગલાદેશે 26 રનમાં 2 વિકેટ ગુમાવી

ભારતે માત્ર 34.4 ઓવરમાં 9 વિકેટે 285 રન કરી રનનો ધોધ વહાવ્યો: બાંગલાદેશના પહેલા દાવમાં 233: મોમિનૂલની સદી

કાનપુર, તા.30: વરસાદને લીધે ઉપરા ઉપરી બે દિવસ ધોવાઈ ગયા બાદ બાંગલાદેશ વિરુદ્ધના કાનપુર ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ ટી-20 સ્ટાઇલથી બેટિંગ કરીને જીતની તક સર્જી છે. ભારતે આજે મેચના ચોથા દિવસે પહેલાં બાંગલાદેશ ટીમને 233 રનમાં ઓલઆઉટ કરી હતી. બાદમાં ટેસ્ટમાં ટી-20 જેવું બેટિંગ કરી હતી. ભારતે તેનો પહેલો દાવ ફક્ત 34.4 ઓવરમાં 9 વિકેટે 28પ રન ઝૂડીને ડિક્લેર કર્યો હતો. ભારતે પ્રતિ ઓવર 8.22ની સરેરાશથી આ રન બનાવ્યા હતા. ભારતને બાવન રનની સરસાઇ મળી હતી. આજે મેચના ચોથા દિવસના અંતે બાંગલાદેશે તેના બીજા દાવમાં 26 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. તે હજુ ભારતથી 26 રન પાછળ છે. ભારતીય ટીમની નજર હવે આવતીકાલે મેચના આખરી દિવસે બાંગલાદેશને સસ્તામાં ઓલઆઉટ કરીને ફરી આક્રમક અંદાજમાં બેટિંગ કરી બીજો ટેસ્ટ જીતવા પર હશે. આજે મેચના ચોથા દિવસે રનની રમઝટ વચ્ચે બન્ને ટીમની મળીની કુલ 18 વિકેટ પડી હતી. મોમૂનિલ હકની સદી પણ આજની હાઇલાઇટ બની રહી હતી. હવે મેચના આખરી દિવસે બાંગલાદેશ મેચ બચાવની ભૂમિકામાં આવી ગયું છે.

આજની રમતના અંતે શાદમાન ઇસ્લામ 7 અને મોમિનૂલ હક ઝીરો સાથે નોટઆઉટ રહ્યા હતા. ઝાકિર હુસને (10) અને હસન મહમૂદ (0) બન્નેની વિકેટ અશ્વિને લીધી હતી. બીજા દાવમાં બાંગલાદેશના 2 વિકેટે 26 રન થયા હતા અને હવે તેના પર હારનો ખતરો સર્જાયો છે.

ભારતે તેના પહેલા દાવની શરૂઆત આક્રમક અંદાજમાં કરી હતી. યશસ્વી અને કપ્તાન રોહિતે ટેસ્ટમાં પાવર હિટિંગ કર્યું હતું અને ભારતના પ0 રન ફક્ત 3 ઓવરમાં જ પૂરા કરી દીધા હતા. કેપ્ટન રોહિત 11 દડામાં 1 ચોક્કા - 3 છક્કાથી 23 રનની કેમિયો ઇનિંગ રમી આઉટ થયો હતો જ્યારે જયસ્વાલે પ1 દડામાં 12 ચોક્કા-2 છક્કાથી 72 રન ઝૂડી નાંખ્યા હતા. કે એલ રાહુલે પણ ઝડપી અર્ધસદી કરી હતી. તે 43 દડામાં 7 ચોક્કા - 2 છક્કાથી 68 રન કરી આઉટ થયો હતો. શુભમન ગિલે 39 અને વિરાટ કોહલીએ 47 રનની ઝડપી ઇનિંગ રમી હતી. પંત (9) નિષ્ફળ રહ્યો હતો.  જાડેજાએ 8, અશ્વિને 1 અને આકાશદિપે બે છકકાથી 12 રન કર્યા હતા. ભારતે ફક્ત 34.4 ઓવરમાં 9 વિકેટે 28પ રને દાવ ડિક્લેર કર્યો હતો. મહેંદી હસન મિરાજ અને શકિબ અલ હસને 4-4 વિકેટ લીધી હતી.

આ પહેલા આજે ચોથા દિવસે બાંગલાદેશ ટીમે તેનો પહેલો દાવ 3 વિકેટે 107 રનથી આગળ વધાર્યો હતો અને 74.2 ઓવરમાં 233 રને ઓલઆઉટ થઈ હતી. મોમિનૂલ હક તેની 13મી સદી ફટકારી 107 રને નોટઆઉટ રહ્યો હતો. તેણે 194 દડાની ઇનિંગમાં 17 ચોકકા અને 1 છક્કો ફટકાર્યો હતો. બાકીના બાંગલાદેશના બેટધરો ભારતની પેસ એન્ડ સ્પિન બોલિંગ સામે નતમસ્તક થઈ ગયા હતા. બુમરાહે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આકાશદીપ, અશ્વિન અને સિરાજને 2-2 અને જાડેજાને 1 વિકેટ મળી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કોલેજિયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી ટ્રેનમાં દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈ ઝડપાયો રાજકોટથી સુરેન્દ્રનગર જતી ટ્રેનમાં ધાકધમકી આપી કૃત્ય આચર્યું’તું October 05, Sat, 2024