નવી
દિલ્હી, તા.30: બાંગલાદેશ સામેના બીજા ટેસ્ટમાં આજે કાનપુર ખાતે વિરાટ કોહલીએ સૌથી
ઝડપી 27,000 ઇન્ટરનેશનલ રનનો રેકોર્ડ બનાવ્યો હતો. તે આ મામલે દિગ્ગજ સચિન તેંડુલકરથી
આગળ થયો છે. સચિને તેની કેરિયરમાં 27,000 ઇન્ટરનેશનલ રન 623 ઇનિંગ (ત્રણેય ફોર્મેટ)માં
પૂરા કર્યા હતા જ્યારે વિરાટ કોહલીએ આ આંકડા પહોંચવા માટે પ94 ઇનિંગ રમી છે. વિશ્વ
ક્રિકેટમાં 27,000 ઇન્ટરનેશનલ રન કરનારા ફક્ત બીજા બે બેટધર છે, ઓસ્ટ્રેલિયાનો રીકિ
પોન્ટિંગ અને શ્રીલંકાનો કુમાર સંગકારા. કાનપુર ટેસ્ટમાં આજે કોહલીએ 47 રનની ઇનિંગ
રમી હતી.
ટીમ
ઇન્ડિયાનો યુવા ઓપનિંગ બેટર યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ આજે બાંગલાદેશ સામેના બીજા
ટેસ્ટના ચોથા દિવસે ઝડપી અર્ધસદીનો રેકોર્ડ સહેજમાં ચૂકી ગયા હતા. જયસ્વાલે તેની અર્ધસદી ફક્ત 31 દડામાં પૂરી કરી
હતી. જો કે તે રેકોર્ડ બનાવી શક્યો ન હતો. ભારત તરફથી ઝડપી અર્ધસદી ઋષભ પંતના નામે
છે. તેણે 28 દડામાં ફિફટી ફટકારી હતી. આ પછી બીજા સ્થાને કપિલ દેવ (30 દડા- વર્ષ
1982) છે. શાર્દુલ ઠાકુર (વર્ષ 2021)અને યશસ્વી જયસ્વાલ 31-31 દડામાં અર્ધસદી પૂરી
કરી આ સૂચિમાં સંયુકતરૂપે ત્રીજા નંબર પર છે. વિરેન્દ્ર સેહવાગે 32 દડામાં 2008માં
ઇંગ્લેન્ડ સામે ફિફટી ફટકારી હતી. કેએલ રાહુલે આજે 33 દડામાં અર્ધસદી કરી હતી. તે આ
સૂચિમાં છઠ્ઠા નંબર પર છે.