• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

પાકિસ્તાનને જીત નસીબ : મુલ્તાન ટેસ્ટમાં ઇંગ્લેન્ડની હાર

297 રનના વિજય લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડ ટીમ 144 રનમાં ડૂલ

1338 દિવસ બાદ ઘરઆંગણે જીતનો સ્વાદ ચાખ્યો :

તમામ 20 વિકેટ સ્પિનર નોમાન અને સાજિદે લીધી

મુલ્તાન, તા.18: પાકિસ્તાન ક્રિકેટ ટીમને આખરે 1338 દિવસ બાદ ઘરઆંગણે ટેસ્ટ જીત નસીબ થઇ છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધના બીજા ટેસ્ટમાં પાકિસ્તાનનો 1પ2 રને વિજય થયો છે. આથી 3 મેચની શ્રેણી 1-1ની બરાબરી પર આવી ગઇ છે. પાક. તરફથી તમામ 20 વિકેટ સ્પિનર નોમાન અલી અને સાજિદ ખાને ઝડપી હતી. પાકિસ્તાનને આખરી ટેસ્ટ જીત 2021માં રાવલપિંડીમાં દ. આફ્રિકા સામે મળી હતી. પાછલા 11 ટેસ્ટથી તેને જીત મળી ન હતી અને સતત 6 હાર બાદ હવે જીતનો સ્વાદ ચાખ્યો છે. મેચના આજે ચોથા દિવસે 297 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા ઇંગ્લેન્ડ ટીમ પ્રતિકાર વિના લંચ પહેલા જ 144 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. આથી પાક.નો 1પ2 રને સરળ વિજય થયો હતો. શાન મસૂદની કેપ્ટન્સીમાં પાક.ની આ પહેલી જીત છે.

પાકિસ્તાન તરફથી બીજા દાવમાં 38 વર્ષીય સ્પિનર નોમાન અલીએ 46 રનમાં 8 વિકેટ ઝડપી ઇંગ્લેન્ડની બેટિંગ હરોળને છિન્નભિન્ન કરી નાંખી હતી. સાજિદ ખાનને 2 વિકેટ મળી હતી. તેણે પહેલા દાવમાં 7 વિકેટ લીધી હતી. આથી તે પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી બીજા દાવમાં સૌથી વધુ 37 રન કપ્તાન બેન સ્ટોકસે કર્યાં હતા. ઝેક ક્રાઉલી 3, બેન ડકેટ 0, ઓલિ પોપ 22, જો રૂટ 18, હેરી બ્રુક 16 રને આઉટ થયા હતા. પૂંછડિયા ખેલાડી બાયડન કાર્સે 27 રન કર્યાં હતા.

કામરાન ગુલામની સદીથી પાકિસ્તાને પહેલા દાવમાં 366 રન કર્યાં હતા. જ્યારે ઇંગ્લેન્ડે બેન ડકેટની સદીથી 291 રન કર્યાં હતા. બીજા દાવમાં પાક.ના 221 રન થયા હતા. બીજા દાવમાં ઇંગ્લેન્ડ ટીમનો 144 રનમાં ધબડકો થયો હતો.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક