• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

ભારત હારની કગારે : ન્યુઝિલેન્ડને જીત માટે 107 રનની દરકાર

સરફરાઝ ખાનના 150 અને પંતના 99 રન બાદ ન્યુઝિલેન્ડે કર્યું કમબેક : બીજી ઈનિંગમાં ભારતે 462 રન ફટકાર્યા, નવો બોલ લેવાનો નિર્ણય કીવી ટીમને ફળ્યો

બેંગલોર, તા. 19 : ભારતે ન્યુઝિલેન્ડને બેંગલોર ટેસ્ટની ચોથી ઈનિંગમાં જીત માટે 107 રનનું લક્ષ્ય આપ્યું છે. પહેલી ઈનિંગમાં 46 રનમાં ઓલઆઉટ થયા બાદ બીજી ઈનિંગમાં મજબુત બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. સરફરાઝ ખાનના 150 રન ઉપરાંત ઋષભ પંતના 99 અને વિરાટ કોહલી અને રોહિત શર્માની અર્ધસદીની મદદથી ભારતે બીજી ઈનિંગમાં 462 રનનો સ્કોર કર્યો હતો. ન્યુઝિલેન્ડે પોતાની બીજી ઈનિંગમાં ચાર બોલે એક પણ કર્યો નહોતો ત્યારે ખરાબ રોશનીના કારણે રમત રોકવી પડી હતી. જેના થોડા સમય બાદ વરસાદ આવ્યો હતો અને અમ્પાયરોએ સ્ટમ્પની ઘોષણા કરી દીધી હતી. આ સાથે હવે ન્યુઝિલેન્ડને ટેસ્ટ મેચમાં જીત માટે પાંચમા દિવસે 107 રન કરવાના છે. જેના પરિણામે ભારત હારની કગારે આવી પહોંચ્યું છે.

બેંગલોર ટેસ્ટમાં સરફરાઝ ખાને દિવસની શરૂઆત 70 રને કરી હતી. દિવસના પહેલા કલાકમાં જ્યારે ન્યુઝિલેન્ડના ઝડપી બોલરને પીચ ઉપર મદદ મળી રહી હતી ત્યારે સરફરાઝે શાનદાર લેટ કટનો ઉપયોગ કર્યો હતો. ઈજાના કારણે ત્રીજા દિવસે મેદાનમાં ન ઉતરેલો ઋષભ પંતે ચોથા દિવસે બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો. શરૂઆતમાં પંતને મુશ્કેલી પડતી જોવા મળી રહી હતી. જો કે સેટ થયા બાદ પંતે શાનદાર બેટિંગ શરૂ કરી હતી. સરફરાઝે ચોગ્ગાની મદદથી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં પહેલી સદી કરી હતી. બાદમાં પંતે પણ હાથ ખોલ્યા હતા. પંતે ગ્લેન ફિલિપ્સ સામે ચોગ્ગો ફટકારીને 55 બોલમાં અર્ધસદી પુરી કરી હતી. ત્યાર બાદ વરસાદના કારણે મે લગભગ બે કલાક બંધ રહ્યો હતો.જેમાં 40 મિનિટ લંચ પણ સામેલ હતો. વરસાદ બાદ મેચ શરૂ થતા પંતે રચિન રવિન્દ્રની બોલિંગમાં બે છગ્ગા ફટકાર્યા હતા. પંતે આક્રમક બેટિંગ કરી હતી તો બીજી તરફ સરફરાઝ એક છેડો સંભાળીને રમી રહ્યો હતો.

ન્યુઝિલેન્ડે આ દરમિયાન ભારતીય ઈનિંગની 80મી ઓવર બાદ નવો બોલ લેવાનો નિર્ણય કર્યો હતો. જે કારગર સાબિત થયો હતો. ન્યુઝિલેન્ડના ઝડપી બોલરોએ સરફરાઝ અને પંતને સ્વીંગથી પરેશાન કર્યા હતા. 150 રન પુરા કર્યા બાદ સરફરાઝ ખાન ટિમ સાઉદીની ઓવરમાં આઉટ થયો હતો. આ સમયે ભારતનો સ્કોર 408 રન હતો. ઋષભ પંત પોતાની સદી તરફ આગળ વધી રહ્યો હતો પણ 99 રને ઓરુર્કેએ પંતને બોલ્ડ કર્યો હતો. બાદમાં કેએલ રાહુલ પણ 12 રન કરીને પેવેલિયન પરત ફરી ગયો હતો.

રવિન્દ્ર જાડેજાના બેટમાંથી પણ માત્ર પાંચ રન નિકળ્યા હતા. અશ્વિને 15 રનની ઈનિંગ રમી હતી. અશ્વિનને મેટ હેનરીએ એલબીડલ્બયુ કર્યો હતો. ત્યારબાદ બુમરાહ અને સિરાજ ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયા હતા. ઓરુર્કે અને હેનરીએ ભારતના 3-3 ખેલાડીને આઉટ કર્યા હતા. હવે ન્યુઝિલેન્ડને અંતિમ દિવસે જીત માટે 107 રનની જરૂરીયાત છે જ્યારે ભારતને 10 વિકેટની દરકાર છે.

ઇ-પેપરના નવા શુલ્ક