CSK
સળંગ ત્રણ મેચ હારી ચૂકી છે, PBKSને
તેના પાછલા મેચમાં RR
સામે હાર મળી હતી
મુલ્લાંપુર
(મોહાલી), તા.7: પાંચ વખતની પૂર્વ ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ મંગળવાર બીજા મુકાબલામાં
પંજાબ કિંગ્સ વિરુદ્ધ મેદાનમાં ઉતરશે. ત્યારે સીએસકે ટીમે સંઘભાવનાથી ઓલરાઉન્ડ દેખાવ
કરવો પડશે. બીજી તરફ સળંગ બે શાનદાર જીત પછી પીબીકેએસને તેના પાછલા મેચમાં રાજસ્થાન
રોયલ્સ વિરુદ્ધ ઘરેલુ મેદાનમાં હાર મળી હતી. આથી તેના પર હોમ ગ્રાઉન્ડ પર વાપસીનું
દબાણ રહેશે. સતત ત્રણ હારને લીધે ધોનીની ટીમ પોઇન્ટ ટેબલ પર નવમા ક્રમે લટકી રહી છે.
પંજાબની સ્થિતિ સારી છે. 3 મેચમાં તેના 4 અંક છે અને ચાર નંબર પર છે. સીએસકે સામેની
સારી જીતથી તે ટોચ પર પહોંચી શકે છે.
સીએસકેની
સમસ્યા ટીમ સંયોજન છે. ટીમનો કર્ણધાર ગણાતો ખુદ એમએસ ધોની ટીમ માટે હવે બોજરૂપ બની
રહ્યો છે. એક સમયનો વર્લ્ડ ક્રિકેટનો બેસ્ટ ફિનિશર ગણાતો ધોની હવે ડેથ ઓવર્સમાં તેની
આ ધાર ગુમાવી ચૂક્યો છે. 43 વર્ષીય ધોની વિકેટ પાછળ તો ઉમદા દેખાવ કરી રહ્યો છે, પણ
બેટથી તે કમાલ કરી રહ્યો નથી. ધોની એક સમયે યેલો બ્રિગેડનો હિરો મનાતો હતો જે હવે ધીમે
ધીમે વિલનમાં પરિવર્તિત થઇ રહ્યો છે. જો કે મોટાગજાનો આ ખેલાડી વાપસી કરી શકે છે અને
પોતાની ટીમને જીત પણ અપાવી શકે છે. આ માટે તે પંજાબ સામેના મેચમાં એડી ચોટીનું જોર
લગાવી શકે છે.
સીએસકેના
મીડલ ઓર્ડર બેટર્સ અને ખાસ કરીને શિવમ દૂબે અને રવીન્દ્ર જાડેજા રન કરી રહ્યા નથી.
ધોની પણ તેમાં સામેલ છે. કપ્તાન ઋતુરાજના ખભે ચેન્નાઇની ઇનિંગનો ભાર રહે છે. પાછલા
મેચમાં કોન્વેને અજમાવ્યો હતો, તે પણ સફળ રહ્યો ન હતો. સીએસકેના બેટધરો સામે પંજાબના
અનુભવી બોલર અર્શદીપ અને ચહલની બાધા પાર કરવી કઠિન બની રહેશે. પંજાબનો નવો કપ્તાન શ્રેયસ
અય્યર સારા ફોર્મમાં બેટિંગ કરી રહ્યો છે. ચહલ અને ધોની વિભન્ન મોકા પર 10 વખત આમને-સામને
આવી ચૂક્યા છે. જેમાં ચહલે ધોનીનો પાંચ વખત શિકાર કર્યો છે. મુલ્લાંપુરની વિકેટ પર
ટોસ જીતનાર ટીમ બેટિંગ પસંદ કરી શકે છે અને હરીફ ટીમને 200 ઉપરનો વિજય લક્ષ્ય આપવાની
કોશિશ કરશે.