ગારિયાધારના વેપારી
પાસે
મોબાઇલ, કાર કબજે ન લેવા માટે માગી હતી લાંચ
અમરેલી,
તા.12 : ભાવનગર એસીબીએ અમરેલી જિલ્લાના વંડા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારી અને
એક વચેટિયાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા છે. ફરિયાદીના મિત્ર સામે નોંધાયેલા ગુનામાં
મારપીટ ન કરવા અને મોબાઇલ-કાર જપ્ત ન કરવા બદલ રૂ. 51,000ની લાંચ સ્વીકારવામાં આવી
હતી.
મળતી
વિગતો અનુસાર ગારિયાધારમાં રહેતા અને સ્પેનો વ્યવસાય કરતા વેપારીની વિરુદ્ધમાં સાવરકુંડલાના
વંડા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હોય જેની તપાસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ મનસુખભાઈ
મેર પાસે હતી. જેઓએ વેપારી પાસે મોબાઇલ, કાર કબજે નહીં કરવાના તેમજ ધંધો સારી રીતે
ચલાવવા દેવા, માર નહીં મારવા પેટે પોલીસ કર્મી વિજય મેર દ્વારા અતુલ ચૌહાણ (રે. ગારિયાધાર)
નામનાં વચેટીયા હસ્તક પ્રથમ રૂા. 1.25 લાખની લાંચની માગણી કરી હતી અને રકઝકના અંતે
રૂા. 51 હજારની લાંચ આપવાનું નક્કી થયું હતું પરંતુ વેપારી લાંચની રકમ આપવા માગતા ન
હતા. જેને લઈ તેના મિત્ર મારફતે ફરિયાદ એસીબીમાં આપી હતી. આ ફરિયાદને લઈ વંડા પોલીસ
સ્ટેશનની સામે આવેલા ગોપીનાથ ઓઇલ મીલના ગેટ પાસે જેસર સાવરકુંડલા જાહેર રોડ ઉપર છટકુ
ગોઠવી ભાવનગર એન્ટી કરપ્શન બ્યૂરોના મદદનિશ નિયામક એસ.એન. બારોટના સુપરવિઝન નીચે પી.આઈ.
ટી.એસ. રીઝવી સહિતનો સ્ટાફ ગોઠવાયો હતો અને ફરિયાદીને લાંચના નાણા આપવા મોકલતા વચેટીયા
મયુર બાબુભાઈ ખુમાણ (રહે. વંડા)એ પોલીસ કર્મી વિજય મેર વતી હેતુલક્ષી વાતચીત કરી લાંચના
રૂા. 51 હજારનો સ્વીકાર કરી તે લાંચની રકમ મળી ગયા અંગે વિજય મેરને જાણ કરતા વંડા પોલીસ
મથકના હેડ પોલીસ કોન્સ્ટેબલ છગન માવજીભાઈ ડાભી લાંચની રકમ લેવા આવી પહોંચતાં અને વચેટીયા
પાસેથી લાંચની રકમ સ્વીકાર કરતા બન્નેને એસીબીએ રંગેહાથ ઝડપી પાડયા હતા જ્યારે હેડ
કોન્સ્ટેબલ વિજય મેરને પોલીસ સ્ટેશનથી ઝડપી પાડયો હતો.