ખંભાળિયા, તા.11: કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામે જમીનના શેઢે આવેલા કૂવા અને રસ્તાના પ્રશ્ને ચાલી આવતા જૂના મનદુ:ખમાં 42 વર્ષીય દેવાણંદભાઈ લાખાભાઈ વરૂની પાંચ શખસે ઘાતકી હત્યા કરી છે. મૃતક યુવાન જ્યારે મોટરસાઇકલ લઈને વાડીએ જઈ રહ્યા હતા, ત્યારે પાડોશી વાડી ધરાવતા આરોપીઓએ એકસંપ થઈ રસ્તામાં આંતરી લીધા હતા. આરોપીઓએ કુહાડા, લોખંડના પાઇપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરતા દેવાણંદભાઈને છાતી અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
આ લોહિયાળ ઘટના અંગે કલ્યાણપુર
પોલીસે મૃતકના પિતા લાખાભાઈની ફરિયાદના આધારે જેસા વરૂ, રામદે વરૂ, નરેશ વરૂ સહિત બે
મહિલાઓ મળી કુલ પાંચ આરોપીઓ સામે બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે
ગેરકાયદે મંડળી રચી હત્યા કરવાના આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને ફરાર આરોપીઓને
ઝડપી પાડવા અલગ-અલગ દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાથી સમગ્ર
પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.