• બુધવાર, 13 મે, 2026

સાબરમતી જેલની સુરક્ષામાં છીંડા, હત્યા અને પોક્સોના ગુનાનો કેદી ફરાર

પોલીસે જેલ બહારના અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ આદરી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.12: રાજ્યની સૌથી સુરક્ષિત મનાતી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એક વખત ગંભીર વિવાદમાં આવી છે. આજીવન કેદની સજા ભોગવી રહેલો પાકા કામનો કેદી માલદે રામાભાઈ પરમાર જેલમાંથી ફરાર થઈ ગયો છે. કેદી ફરાર થતા જેલની સુરક્ષા વ્યવસ્થા અને જેલ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. બનાવ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ચેક કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

સાબરમતી મધ્યસ્થ જેલમાં જેલર તરીકે ફરજ બજાવતા દેવદત્તાસિંહ ગોહિલે કેદીના ફરાર થવાની ફરિયાદ નોંધાવી છે. જેલના બડા ચક્કર યાર્ડ નંબર-4માં કુલ 33 કેદીઓ રાખવામાં આવ્યા હતા જ્યારે સાંજે કેદીઓની ગણતરી કરવામાં આવી ત્યારે માત્ર 32 કેદી મળી આવ્યા. કેદી માલદે પરમાર ગાયબ હોવાનું ખુલ્યું હતું. ત્યારબાદ જેલ તંત્રએ તેની સઘન શોધખોળ હાથ ધરી હતી પરંતુ કેદીનો કોઈ પત્તો ન લાગતા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. સીસીટીવીના ફૂટેજમાં માલદે પરમાર બડા ચક્કર યાર્ડમાંથી બહાર નીકળીને જેલ સ્ટાફને ચકમો આપતો મુખ્ય પ્રવેશ દ્વારની બહાર નીકળી જતો દેખાયો હતો.

હવે સૌથી મોટો સવાલ એ ઉભો થાય કે રાજ્યની હાઈ સિક્યોરિટી જેલમાંથી એક આજીવન કેદની સજા ભોગવી રહેલો કેદી સહેલાઈથી બહાર કેવી રીતે નીકળી ગયો ? તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર માલદે પરમાર સામાન્ય કેદી નહોતો. તેની સામે વર્ષ 2023માં પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં હત્યા, પોક્સો સહિતના ગંભીર ગુનાઓ નોંધાયા હતા.

વર્ષ 2025માં કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. પહેલા તેને પોરબંદર જેલમાં અને ત્યાર બાદ રાજકોટ જેલમાં ખસેડવામાં આવ્યો હતો. માલદેની તબિયત બગડતા તેને સાબરમતી સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો. વર્ષ 2025થી તે સાબરમતી જેલના બડા ચક્કર વિભાગમાં હતો. 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક