અમેરિકા
ઈરાનની નાકાબંધી હટાવશે અને બદલામાં ઈરાન 30 દિવસમાં હોર્મુઝમાં પરિવહન પૂર્વવત્ કરે
તેવી શક્યતા
નવી
દિલ્હી, તા.27: દુનિયાનાં ઊર્જા પુરવઠા માટે ચાવીરૂપ હોર્મુઝ જળમાર્ગ ખુલશે કે નહીં
તે અત્યારે સૌથી મોટું ઉખાણું બની ગયું છે. રોજ નવી અસમંજસ અને અટકળો ઉભી કરનારા સમાચારો
આવી રહ્યાં છે. જેમાં હવે શાંતિ સમજૂતીનાં નવા મુસદ્દા અનુસાર અમેરિકા ઈરાનની નાકાબંધી
સમાપ્ત કરવા માટે તૈયાર થઈ ગયું હોવાનાં અહેવાલો આવ્યા છે અને તેનાં હિસાબે હોર્મુઝ
ખુલવાનો માર્ગ મોકળો બની ગયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઈરાનનાં
સરકારી ટીવીનાં અહેવાલ મુજબ અમેરિકા દ્વારા ઈરાનની નાકાબંધી હટાવવામાં આવશે અને તેનાં
બદલામાં ઈરાન હોર્મુઝ જળમાર્ગ ખોલી નાખશે. અમેરિકા ઈરાનનાં ઘર્ષણનો અંત લાવવા માટે એક પ્રારંભિક સમજૂતી
કરારનાં અનૌપચારિક મુસદ્દાનાં હવાલેથી આમાં કહેવામાં આવ્યું છે કે, એક માસમાં ઈરાન
હોર્મુઝમાંથી વેપારી જહાજોનું પરિવહન પૂર્વવત કરી નાખશે. જ્યારે અમેરિકા દ્વારા ઈરાન
આસપાસનાં ક્ષેત્રમાંથી પોતાની નૌસેના ટુકડીઓ હટાવી લેશે અને ઈરાનની નાકાબંધી પણ પાછી
ખેંચી લેશે.
ઈરાનનાં
સરકારી ટીવીમાં કહેવામાં આવ્યું હતું કે, મુસદ્દામાં યુદ્ધજહાજોની તૈનાતીમાં કોઈપણ
ફેરફાર સામેલ નથી.