• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

વિશ્વકપ પહેલાં ભારતે બતાવી ક્ષમતા: એશિયા કપથી થયા પાંચ ફાયદા સિરાજ, કે. એલ. રાહુલ અને હાર્દિક પંડયાએ ટીમની ચિંતા ઓછી કરી

નવી દિલ્હી, તા. 18: ભારતીય ટીમે એશિયા કપ 2023મા ખિતાબ જીતીને શાનદાર અંત કર્યો છે. ફાઇનલ મુકાબલો રવિવારે રમાયો હતો. જેમાં શ્રીલંકાને પહેલા 50 રનમાં સમેટી લીધું હતું. બાદમાં 10 વિકેટે ખિતાબ નામે કર્યો હતો. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવીને ખિતાબ જીત્યો છે.

ટૂર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાનને 228 રને હરાવ્યું હતું તેમજ શ્રીલંકાને ફાઇનલમાં 50 રને ઢેર કર્યું હતું. જો કે એશિયા કપ બાદ હવે ભારતીય ટીમે ઘરેલુ મેદાનમાં વન ડે વિશ્વકપ પણ રમવાનો છે. તેવામાં એશિયા કપથી ભારતીય ટીમને વિશ્વકપમાં પાંચ ફાયદા થશે. ઈજાથી વાપસી કરનારા કે એલ રાહુલની સીધી પસંદગી એશિયા કપ માટે થઈ છે ત્યારે ખ્યાલ નહોતો કે રાહુલ ધમાલ કરશે. રાહુલે સુપર4માં પહેલો મેચ પાકિસ્તાન સામે રમ્યો હતો અને નોટઆઉટ 111 રન કર્યા હતા. જેને લઈને વિશ્વકપ માટે પણ આશા બાંધી છે. આ ઇનિંગ રાહુલે નંબર 4 ઉપર આવીને રમી હતી. જેનાથી ભારતીય ટીમમાં નંબર 4 ખેલાડીને લઈને થતી ચિંતા ઓછી થઈ છે.

એશિયા કપમાં ઓપનિંગ જોડીએ કમાલ કરી છે. શુભમન ગીલ અને કેપ્ટન રોહિત શર્માએ દરેક મેચમાં સારી શરૂઆત અપાવી હતી. ગિલે ટૂર્નામેન્ટમાં સૌથી વધારે 302 રન કર્યા હતા. જેમાં બંગલાદેશ સામે 121 રન પણ સામેલ હતા જ્યારે રોહિતે છ મેચની પાંચ ઇનિંગમાં 194 રન કર્યા છે. હવે આ ઓપનિંગ જોડી જામી ચૂકી છે.

કે એલ રાહુલની જેમ બુમરાહ પણ ઈજામાંથી વાપસી કરી રહ્યો છે. જો કે એશિયા કપ પહેલા તેણે કેપ્ટન તરીકે આયર્લેન્ડ સામે ટી20 શ્રેણી રમી હતી. બુમરાહે સીઝનની ચાર મેચની ત્રણ ઇનિંગમાં 4 વિકેટ લીધી છે. ફાઇનલમાં શ્રીલંકાને પહેલો અને મોટો ઝટકો બુમરાહે જ આપ્યો હતો.

વિશ્વકપ પહેલા સિરાજે પણ ફોર્મ મેળવ્યું છે. ફાઇનલમાં સિરાજે જ કહેર વરસાવ્યો હતો. જેમાં સાત ઓવરમાં 21 રન આપીને 6 વિકેટ લીધી હતી. આ રીતે સિરાજે ટૂર્નામેન્ટની પાંચ મેચની ચાર ઇનિંગમાં 10  વિકેટ લીધી હતી.

એશિયા કપમાં ભારતીય ટીમને એક મોટો ફાયદો હાર્દિક પંડયાનાં રૂપમાં પણ થયો છે. તેણે બેટ અને બોલથી ધમાલ મચાવી છે. પંડયાએ પાંચ મેચની બે ઇનિંગમાં 92 રન કર્યા છે. આ દરમિયાન પાકિસ્તાન સામે મુશ્કેલ સમયમાં 87 રન પણ કર્યા હતા. બોલિંગમાં પાંચ મેચની ચાર ઈનિંગમા પંડયાએ 6 વિકેટ લીધી હતી. તેનું બેસ્ટ પરફોર્મન્સ ત્રણ રન આપીને ત્રણ વિકેટનું હતું. જે ફાઇનલમાં શ્રીલંકા સામે કર્યું હતું.