• શનિવાર, 13 જુલાઈ, 2024

મુંબઈમાં આફતનો વરસાદ

માત્ર છ કલાકમાં 300 મિમી વરસાદની નોંધ: ઓરેન્જ એલર્ટ

ઠેકઠેકાણે પાણી ભરાયા: 55 ફલાઇટો રદ : જનજીવન અસ્ત વ્યસ્ત

મુંબઈ, તા. 8 : મુંબઈ સહિત ઉપનગરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સોમવારે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને કારણે ઠેકઠેકાણે પાણી ભરાયા હતા. ખરાબ હવામાનને પગલે સોમવારે 55 ફલાઇટો રદ થઇ હતી. રેલવે વ્યવહાર ખોરવાયો હતો. મધ્ય રેલવેમાં થાણેથી આગળ જતી રેલ સેવા સંપૂર્ણ ઠપ થઇ હતી. સોમવારે સવારે એક વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધીમાં 300 મિમી વરસાદની નોંધ થઇ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.  કર્જત - ખોપોલી, કસારાથી સીએસએમટી જતી લોકલ માત્ર થાણે સ્ટેશન સુધી જ દોડી રહી હતી અને આગળની લાઇન ઉપર રેલ સેવા રદ કરાઇ હતી. દક્ષિણ મુંબઈમાં કોલાબા, ચર્ચગેટ, નરિમાન પોઇન્ટ, મહાલક્ષ્મી વિસ્તારમાં પણ વરસાદ જામ્યો હતો. કોલાબા વેધશાળાએ ગત 24 કલાકમાં 75 મિમી તો સાંતાક્રુઝ વેધશાળાએ  263 મિમી વરસાદની નોંધ કરી હતી. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મુંબઈમાં સોમવારે આખો દિવસ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. દાદર, વરલી, લાલબાગમાં જોરદાર વરસાદને પગલે તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સોમવારે આપાતકાલીન નિયંત્રણ કક્ષની મુલાકાતે મુખ્યપ્રધાન એકનાથ શિંદે પહોંચી ગયા હતા. તમામ જાણકારી મેળવીને તેમણે પક્ષકાર પરિષદમાં હાલ સ્થિતી કાબુમાં હોવાનું જણાવ્યું હતું. બાળકોને હાલાકી ન થાય એ માટે તમામ પાલિકાની શાળાઓ ઉપરાંત કોલેજોમાં સોમાવરે રજા જાહેર કરી દેવાઇ હતી. પાલિકા આપાતકાલીન વિભાગ , એનડીઆરએફ સહિતનના તમામ વિભાગો 24 કલાક ખડેપગે હોવાનું એમણે ભારપૂર્વક જણાવ્યું હતું. આગામી 24 કલાકમાં મુંબઈ, થાણે, રાયગઢ, પાલઘરમાં ભારે વરસાદની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી હતી. હવામાન વિભાગ અનુસાર સવારે આઠ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધીમાં કોલાબામાં 97.5 મિમી, સાંતાક્રુઝમાં 11.5 મિમી, રામ મંદિરમાં 21 મિમી, ભાયખલામાં 65 મિમી, ચેંબુરમાં 38.5 મિમી, સાયનમાં 13.5 મિમી વરસાદની નોંધ થઇ હતી. આગામી 24 કલાક અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 

ગત 24 કલાકમાં મુંબઈ ઉપનગર અને થાણે વિસ્તારમાં અતિવૃષ્ઠિની સ્થિતી સર્જાયેલી હતી. આગામી ત્રણથી ચાર દિવસ મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો આઠમી જૂલાઇથી દસમી જૂલાઇ સુધી મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 

છેલ્લા 24 કલાકમાં મુંબઈ અને ઉપનગરમાં ઠેકઠેકાણે પાણી ભરાયા હતા તેમ જ ઉપનગરીય ટ્રેન સેવાને પણ ભારે અસર થઇ હતી. શહેરમાં કેટલાક ઠેકાણે સોમવારે સવારે એક વાગ્યાથી સવારે સાત વાગ્યા દરમિયાન છ કલાકમાં 300 મિમી વરસાદની નોંધ થઇ હતી. વરસાદને કારણે લગભગ 50થી વધુ ફલાઇટ રદ કરાઇ હતી. હવામાન વિભાગે મુંબઈ, થાણે, પાલઘર અને કોંકણમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યુ હતુ. વિક્રોલી અને પવઇમાં સૌથી વધુ વરસાદની નોંધ થઇ હતી. ગત 24 કલાકમાં અહીં 315 મિમી વરસાદની નોંધ થઇ હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક