જી.જી.હોસ્પિટલમાં
બેડ ખૂટી પડતા જમીન પર સુવડાવીને સારવાર અપાઈ : અન્યોને રજા આપી દેવાઈ : બે બાળક સારવાર હેઠળ
જામનગર,
તા.13 : જામનગર નજીક હાપા એલગન સોસાયટીમાં ગણપતિ મહોત્સવ દરમિયાન ગત રાત્રે પ્રસાદીમાં
બિરયાની આરોગ્યા બાદ 26 નાના-મોટા બાળકો સહિત 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનની અસર થતા
ભારે દોડધામ થઈ ગઈ હતી અને જુદી-જુદી 108ની ટુકડીઓ હોસ્પિટલ તરફ દોડતી થઈ હતી. એકબાજુ
જી.જી.હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં દાખલ થવા માટે દર્દીઓ અને તેના સગાઓએ ભારે પડાપડી
કરી હતી અને હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા જમીન પર સુવાનો વારો આવ્યો હતો.
હાપા
ખાતે આવેલી એલગન સોસાયટીમાં મોટાભાગના કોળી પરિવાર રહે છે ત્યાં ગત રાત્રે ગણપતિ મહોત્સવ
દરમિયાન બિરયાની પ્રસાદીરૂપે બનાવાઈ હતી અને જે પરિવારના સભ્યોએ પ્રસાદ આરોગ્યો હતો,
તે પૈકીના ખાસ કરીને નાના બાળકોમાં અસર જોવા મળી હતી. રાત્રીના 1 વાગ્યાથી ઝાડા-ઉલટીની
અસર થતા બાળકોને જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જે વહેલી સવારે 4 વાગ્યા સુધી દોડધામ
ચાલુ રહી હતી. પીડિયાટ્રીક વિભાગમાં બાળકો અને તેના વાલીઓનો મોટો જમાવડો જોવા મળ્યો
હતો અને બેડ ખૂટી પડયા હતા. એક-એક એમ્બ્યુલન્સમાં પાંચથી દસ બાળકોને સારવાર માટે લઈ
આવવાનો વારો આવ્યો હતો. જ્યારે બેડ ખૂટી પડતા બાળકોને જમીન પર સુવડાવીને સારવાર લેવી
પડી હતી. 4 વર્ષથી લઈને 17 વર્ષ સુધીના કુલ 26 બાળકને દાખલ કરવામાં આવ્યા હતાં. હાલ
સારવાર હેઠળ બે બાળક દાખલ છે.
આ બનાવની
જાણ જામ્યુકોની ફૂડ શાખાને થતા દોડતી થઈ હતી. જ્યારે પંચકોશી-એ ડિવિઝન પોલીસ કાફલો
પણ મોડી રાત્રે દોડતો થયો હતો. કોર્પોરેટર જીતેન્દ્ર શિંગાળા તેમજ સમસ્ત તળપદા કોળી
સમાજના પ્રમુખ હિતેશ બાંભણિયા વગેરે જી.જી.હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને સારવાર માટે
મદદ કરી હતી. જામ્યુકોની ફૂડ શાખાએ પ્રસાદીરૂપે બનાવાયેલી બિરયાનીના નમુના લઈ પૃથ્થકરણ
માટે વડોદરા ખાતે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે અને ટૂંક સમયમાં જ તેનો રિપોર્ટ આવી
જશે તેમ જાણવા મળે છે.