• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

જૂનાગઢમાં બે વર્ષ પહેલા સસરાની હત્યા કરનાર જમાઈને આજીવન કેદ

જૂનાગઢ, તા.19: જૂનાગઢમાં આજથી બે વર્ષ પહેલા જમાઈએ સસરાને ઢોર માર મારી હત્યા કર્યાના બનાવમાં જૂનાગઢ સેશન્સ કોર્ટે બંન્ને પક્ષની દલીલો, પુરાવાઓને ધ્યાને લઈ આરોપી જમાઈને આજીવન કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે.

આ કિસ્સાની વિગત પ્રમાણે અહીંના હાઉસીંગ બોર્ડમાં રહેતા અનિલ જેન્તીભાઈ જાદવ (ભોંય)ની પુત્રી નિશાએ ચારેક વર્ષ પહેલા કડિયાવાડમાં રહેતા સુધીર સુરેશ સોલંકી સાથે પ્રેમલગ્ન કર્યા હતા પરંતુ પતિ-પત્ની વચ્ચે મનમેળ ન થતા એક માસમાં છુટાછેડા થયા હતા. છતાં સુધીર સોલંકી નિશાને સાથે રાખવા દબાણ કરી માર મારતો હતો.

પૂર્વ પતિના શારીરિક ત્રાસ અંગે નિશા મહિલા પોલીસ સ્ટેશને ગત તા.15-11-2022 ફરિયાદ નોંધાવવા જતા સુધીર હાઉસીંગ બોર્ડ તેના સસરાના ઘરે પહોંચેલ અને તેના સસરાને બાઈકમાં લઈ જઈ ઢોરમાર મારતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાતા ફરજ ઉપરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

આ અંગે મૃતકની પુત્રી અને આરોપીની પુર્વ પત્ની નિશા અનિલ જાદવે સુધીર સોલંકી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું હતું. આ કેસ જૂનાગઢ જિલ્લા સેશન્સ કોર્ટમાં ચાલી જતા બંન્ને પક્ષની દલીલો પુરાવાઓને ધ્યાને લઈ જિલ્લા ન્યાયાધીશે સુધીર સોલંકીને કસુરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક