• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

અમદાવાદમાં બોપલ હિટ એન્ડ રન કેસમાં કારચાલકના પિતાની ધરપકડ

સગીરે પૂરપાટ ઝડપે કાર ચલાવી સિક્યુરિટી ગાર્ડને ઠોકરે ચડાવતા મૃત્યુ થયું’તું

અમદાવાદ, તા. 19 : અમદાવાદના બોપલમાં 14 સપ્ટેમ્બરે રાત્રે પૂરપાટ ઝડપે આવતી મર્સિડીઝ કારના ચાલકે સિક્યુરિટી ગાર્ડને ઉલાળતા તેનું ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં પોલીસે કાર ચલાવનાર સગીર અને તેના પિતા મિલાપ શાહ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પુત્રએ અકસ્માત કર્યા બાદ બિલ્ડર પિતા મિલાપ શાહ ફરાર થઈ ગયો હતો. જેની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ અમદાવાદના બોપલમાં ગાવિંદાસિંહ નામનો સિક્યોરિટી ગાર્ડ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે જતી કારે તેને અડફેટે લેતા સારવારમાં ખસેડાતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવના સીસીટીવી સામે આવ્યા હતા. સમગ્ર ઘટના અંગે મૃતકના ભાઈ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, કારના માલિક બિલ્ડર મિલાપ શાહ છે અને આ કાર તેમનો સગીર પુત્ર ચલાવી રહ્યો હતો. બનાવ અંગે ગ્રામ્ય હેડ ક્વાર્ટર એસપી મેઘા તવારે જણાવ્યું કે, 14 સપ્ટેમ્બરના રોજ બનેલી અકસ્માતની ઘટનામાં કાર કિશોર ચલાવી રહ્યો હતો. પિતાને જાણ હતી કે પુત્ર સગીર છે છતાં ગાડી આપી હતી. જેથી તેના વિરુદ્ધ પણ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક