- મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલાં ગૌસેવા કે ધાર્મિક દાવ? : સનાતન રાષ્ટ્ર સંમેલનમાં શંકરાચાર્ય સહિતના ધર્માચાર્યોની હાજરીમાં મુખ્ય પ્રધાને કરી જાહેરાત : પ્રત્યેક ગૌશાળાને રૂપિયા દસ લાખનું અનુદાન
(ફૂલછાબ
ન્યૂઝ) મુંબઈ, તા. 30 : નવરાત્રિ પહેલાં મહારાષ્ટ્રની મહાયુતિ સરકારે આજે ગાયને રાજ્યમાતાનો
દરજ્જો આપવાની જાહેરાત કરતા વર્ષોથી દેશી ગૌવંશને સન્માનની માગ કરતા હિંદુ સમાજની ખુશી
સ્વાભાવિક છે, પરંતુ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઇ શકે છે એવા
સમયે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના-એનસીપી અને ભાજપની મહાયુતિ
સરકારે આ જાહેરાત કરી ધાર્મિક દાવ ખેલ્યાની ચર્ચા થઇ રહી છે. ખાસ કરીને મીરા-ભાયંદરમાં
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના વિશ્વાસુ શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઇક દ્વારા આયોજિત
ત્રિદિવસીય ભાગવત સત્સંગમાં આજે દેશના જાણીતા ધર્માચાર્યોની હાજરીમાં આ જાહેરાતની ચર્ચા
છે.
એક
તરફ બદરીનાથ જ્યોતિર્મઠ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી ગાયને રાષ્ટ્રમાતા
ઘોષિત કરવા અને ગૌહત્યા પ્રતિબંધની માગણી સાથે દરેક રાજ્યમાં ગૌ પ્રતિષ્ઠા ધ્વજની સ્થાપના
કરવા ભારતની યાત્રાએ છે અને ભાજપ શાસિત કે ભાજપના સમર્થનથી સરકાર છે એવા પૂર્વોત્તરના
અરુણાચલ અને નાગાલૅન્ડ જેવાં રાજ્યોમાં એમનો વિરોધ થઇ રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્રની
મહાયુતિ સરકારે ચૂંટણી અગાઉ ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપીને હિંદુ સમાજને ખુશ કરવાની
તક ઝડપી લીધાનું ચર્ચામાં છે.
શનિવાર,
રવિવાર અને સોમવાર એમ ત્રણ દિવસનું ભાગવત સત્સંગ (સનાતન રાષ્ટ્ર સંમેલન) મુંબઈ નજીક
મીરા-ભાયંદરના હિંદુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મેદાનમાં ચાલી રહ્યું છે. વિખ્યાત
કથાકાર અનિરુદ્ધાચાર્યના પ્રમુખ સ્થાને આ સંમેલનનું આયોજન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના
વિશ્વાસુ શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઇક દ્વારા કરાયું છે. જેમાં દ્વારકા શારદાપીઠના
શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી અને જ્યોતિર્પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
સરસ્વતી ઉપરાંત રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદદેવગિરિજી મહારાજ, રામાનુજાચાર્ય સ્વામી,
વાસુદેવાચાર્યજી મહારાજ તેમ જ બાલયોગી સદાનંદ મહારાજ સહિત દેશના જાણીતા ધર્માચાર્યો
હાજર રહ્યા હતા. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજે આજે સનાતન સંમેલનમાં મુખ્ય પ્રધાનની
હાજરીમાં આ જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાને આ કાર્યક્રમમાં કૅબિનેટના નિર્ણયની જાહેરાત
કરવા સાથે જ રાજ્યની પ્રત્યેક ગૌશાળાને દસ લાખ રૂપિયાના અનુદાનની જાહેરાત પણ કરી હતી.
આ સત્સંગ
સંમેલનમાં જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની ઉપસ્થિતિની વિશેષ ચર્ચા
થઇ રહી છે, કેમ કે 15 જુલાઇના એમની પધરામણી માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરે પરિવારને ત્યાં
થઇ હતી અને એમણે નિવેદન આપ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે સાથે વિશ્વાસઘાત થયો છે જ્યાં સુધી
ઉદ્ધવ ઠાકરે રાજ્યના મુખ્ય પ્રધાન નહીં બને ત્યાં સુધી એમના મનમાં પીડા રહેશે. આજે
એક જ દિવસે સરનાઇકના આયોજનમાં મુખ્ય પ્રધાન શિંદે અને સ્વામી અવિમુક્તેશ્વરાનંદની હાજરીથી
રાજ્યમાં ગાયના રાજકારણની અલગ પ્રકારની જ ચર્ચા થઇ રહી છે.
મળતા
સમાચાર પ્રમાણે મુખ્ય પ્રધાન શિંદે કાર્યક્રમમાંથી નીકળી ગયા બાદ શંકરાચાર્ય સ્વામી
અવિમુક્તેશ્વરાનંદ મંચ પર આવ્યા હતા અને સંમેલનમાં હાજરી આપીને પોતાના પર્વનિર્ધારિત
કાર્યક્રમ પ્રમાણે નીકળી ગયા હતા.
શંકરાચાર્યએ
આ કાર્યક્રમમાં ગાયને રાજ્યમાતા જાહેર કરવાના શિંદે સરકારના નિર્ણયની પ્રશંસા કરીને
કહ્યું હતું કે જે ગાયની પ્રતિષ્ઠા જાળવે એ જ સાચો હિંદુ છે અને શિંદેએ છાતી 56 ઇંચની
હોવાનું આ નિર્ણયથી પુરવાર કર્યું છે. હવે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ 16
અૉક્ટોબરના મહારાષ્ટ્રમાં ગૌ પ્રતિષ્ઠા ધ્વજની સ્થાપના માટે ખારઘરની એક ગૌશાળામાં આવશે
ત્યારે આ બાબતે વિશેષ ચર્ચા થશે એ નક્કી છે.
અગાઉ
મહારાષ્ટ્રમાં 2014માં પહેલીવાર ભાજપના નેતૃત્વમાં ફડણવીસ સરકાર સત્તામાં આવી ત્યારે
ગૌવંશની સાથે બળદને બચાવવા પહેલો નિર્ણય એનિમલ પ્રોટેક્શન (અમેન્ડમેન્ટ) ઍક્ટનો નિર્ણય
લેવાયો હતો. જોકે, થોડો સમય આ વિશે ચર્ચા થયા બાદ એના વિશે ખાસ કોઇ ચર્ચા થઇ નથી.