• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

વિમાનોને શ્રેણીબદ્ધ ધમકી, કેન્દ્ર આકરા પાણીએ

નાગરિક ઉડ્ડયન પ્રમુખ દેવદત્તને પદ પરથી હટાવ્યા : IB, NIA પાસે અહેવાલ માગ્યા

નવી દિલ્હી, તા. 20 : વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની સતત ધમકીઓથી દેશભરમાં ઉચાટ વચ્ચે કેન્દ્ર સરકારે આ મામલે આકરું વલણ અપનાવતાં નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક વિભાગના પ્રમુખ વિક્રમ દેવદત્તને પદ પરથી હટાવી દીધા હતા.

દેશના ગૃહ મંત્રાલયે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) અને ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઇબી) પાસેથી આવી ધમકીઓના મામલા પર અહેવાલ માગ્યો હતો.

નાગરિક ઉડ્ડયન વિભાગના અધિકારીઓ સાથે એક ખાસ બેઠક યોજીને એવો નિર્ણય  લેવાયો હતો કે, ભવિષ્યમાં આવી ધમકીઓના મામલામાં કડક પગલાં લેવાશે. બોમ્બથી ઉડાડવાની ધમકી મળે ત્યારે નજીકનાં એરપોર્ટ પર તાકીદનું ઉતરાણ કરાવવાની કવાયત પાછળ ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ થઇ જતો હોય છે.

છેલ્લાં એક અઠવાડિયા દરમ્યાન 70થી વધુ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉડાનને ધમકી મળતાં 200 કરોડથી વધુનું નુકસાન થયું છે.

કર્મચારીઓનાં મંત્રાલયે ડીજીસીએના પ્રમુખ વિક્રમ દેવદત્તને પદ પરથી હટાવીને કોલસા મંત્રાલયના સચિવ તરીકે મૂકી દીધા હતા.

દરમ્યાન, એરલાઇન્સ કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓએ વિમાન સુરક્ષા બ્યૂરો સાથે બેઠક કરી હતી. બ્યૂરોના મહાનિર્દેશક જુલ્ફીકાર હસને એરલાઇન્સ કંપનીઓને એવો ભરોસો અપાવ્યો હતો કે, ભારતીય આકાશ સંપૂર્ણ સુરક્ષિત છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક