• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

વધુ 7 ઇંચ : ખેડૂતોની મેઘરાજાને આજીજી હવે ખમૈયા કરો

સૌરાષ્ટ્રમાં બપોર બાદ આસોમાં અષાઢી માહોલ : ઘનઘોર વાદળો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો

સતત વરસાદથી ખેડૂતોની ચાર મહિનાની મહેનત પાણીમાં તણાઈ ગઈ, હવે તો પશુનો ચારો પણ પલળી ગયો : સરકાર વહેલી તકે સરવે કરાવી નુકસાનીની સહાય ચૂકવે તેવી ખેડૂતોની માગ

મોટા ભાડુકિયા 7, ઢાંક 6.5, સુલતાનપુર 5, લોધિકા 4.5, માળિયા હાટીના 3.5, ગોંડલ - મોરબી 3, મોટીમારડ - રાજકોટ - માણાવદર 2.5, ડોળાસા-સાવરકુંડલા - કલ્યાણપુર - વાંકાનેર  2, કોટડાસાંગાણી - ખંભાળિયા 1.5,  ધોરાજી - ધારી -રાણાવાવ 1, ઉમરાળા - જામકંડોરણા - ગારિયાધાર 0.5 ઇંચ વરસાદ

રાજકોટ, તા.20 : સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં આમ તો આ સમયે મેઘરાજાએ વિદાય લઈ લીધી હોય છે, પણ આ વર્ષે જાણે કે મેઘરાજા સૌરાષ્ટ્રમાં દિવાળી કરીને જવાનું હોય તેવું છેલ્લા દસ દિવસથી જોવા મળી રહ્યું છે. આજે તો બપોર બાદ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં આસો મહિનામાં અષાઢી માહોલ જામ્યો હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. સતત વરસતા પાછોતરા વરસાદથી ખેડૂતોની ચાર મહિનાની મહેનત પાણીમાં તણાઈ ગઈ છે અને હવે તો પશુ માટેનો ચારો પણ પલળી ગયો છે. વરસાદથી ખેડૂતોને ભારે નુકસાની થઈ હોવાથી મેઘરાજાને ખમૈયા કરવા આજીજી કરી રહ્યા છે. આ વર્ષે મગફળીનો પાક સારો થયો હતો અને ખેડૂતોને સારી આવકની આશા હતી પરંતુ આ અચાનક પડેલા વરસાદે ખેડૂતોના આ સપના પર પાણી ફેરવી દીધું છે. ઘણા ખેડૂતોની મગફળીના પાથરા ધોવાઈ ગયા છે અને તણાઈ ગયા છે. સરકાર તાત્કાલિક સરવે કરી સહાય ચૂકવે તેવી માગણી કરી રહ્યા છે. આજે મોટા ભાડુકિયા 7, ઢાંક 6.5, સુલતાનપુર 5, લોધિકા 4.5, માળિયા હાટીના 3.5, ગોંડલ-મોરબી 3, મોટીમારડ - રાજકોટ - માણાવદર 2.5, ડોળાસા - સાવરુંકડલા - કલ્યાણપુર -વાંકાનેરમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો.

રાજકોટમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. બપોર બાદ રાજકોટનું વાતાવરણ હિલ સ્ટેશન જેવું બની ગયું હતું. આજે અઢી ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરના રાજમાર્ગો પર નદી વહેતી હોય તેવાં દૃશ્યો સર્જાયાં હતાં. 150 ફૂટ રિંગ રોડ, એઅ જી ચોક, કાલાવડ રોડ, પુષ્કરધામ રોડ પાણી પાણી થયાં હતાં. તો રિંગ રોડ અને યાજ્ઞિક રોડ પર સૌથી વધુ પાણી ભરાયાં હતાં. સૌથી વ્યસ્ત રહેતા માધાપર ચોકડથી ગોંડલ ચોકડી સુધીનો રોડ પર પાણી ભરાતાં વાહનચાલકો પરેશાન થયા હતા. અનેક રોડ પર એકથી દોઢ ફૂટ સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. એક તરફ રવિવાર હોવાથી લોકો દિવાળીની ખરીદી કરવા નીકળ્યા હતા પરંતુ વરસાદને કારણે લોકો ફસાઈ ગયા. શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. જેમાં લોધીકામાં અનરાધાર 4.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. પાછોતરા વરસાદથી મગફળી, સોયાબીન સહિતના અનેક પાકને નુકસાન થયું છે.

મોરબી: જિલ્લા છેલ્લા સપ્તાહથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે ત્યારે ફરી આજે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શહેરમાં અડધો કલાક સુધી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડયો હતો. ધોધમાર વરસાદનાં પગલે શહેરના શનાળા રોડ, રવાપર રોડ, મહેન્દ્રપરા મેઇન રોડ સહિત રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી હતી તેમજ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ હતી. સાંજના સમયે અચાનક ભારે વરસાદનાં પગલે શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. આજરોજ સાંજે મોરબીમાં 84 મીમીને વરસાદ નોંધાયો હતો જ્યારે હળવદ, માળિયા અને ટંકારા તાલુકામાં ઝાપટાં પડયાં હતાં.

જૂનાગઢ : શહેર અને જિલ્લામાં છેલ્લાં ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે બપોર બાદ એકાએક વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેમાં ગિરનાર, મેંદરડા, માળિયા હાટીનામાં ચાર અને જૂનાગઢ-વંથલી બે ઇંચ પાણી પડતા કાળવા અને સોનરખ નદીઓમાં પૂર આવ્યું હતું. ભારે વરસાદથી ખેતરોમાં મગફળીના પાથરા તણાયા હતા.

ઢાંક: ઉપલેટા તાલુકાના ઢાંક ગામે બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાની થઈ છે. ધોધમાર વરસદાનાં કારણે ઢાંકના ગણેશ મંદિરની જગ્યામાં એક ફૂટ સુધી પાણી ભરાયાં હતાં. હવે ખેડૂતો સરકાર પાસે વિનંતી કરી રહ્યા છે કે તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરે.

જામનગર: કાલાવડ તાલુકાના મોટા ભાડુકિયા ગામમાં આજે સાંજે અચાનક પડેલા ધોધમાર વરસાદે ગામના ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા છે. ગામના સરપંચ જીજ્ઞેશભાઈ કમાણીના જણાવ્યા અનુસાર, આજે સાંજે ચાર વાગ્યાથી લઈને છ વાગ્યા સુધીમાં ગામમાં લગભગ 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને કારણે ગામની નદી બે કાંઠે વહેવા લાગી હતી અને ગામની અંદરના રસ્તાઓ, સેલા અને વોંકળાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને, મગફળીની મોસમ ચાલી રહી હોવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ગામના રસ્તાઓ બંધ થઈ જવાથી વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. 

સુલતાનપુર: છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહયો છે. આજે બપોરે 4 વાગ્યાથી 5.30 સુધીમાં સૂપડાધારે જાણે આભ ફાટયું હોય તે રીતે 5 ઇંચ વરસતા રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા. સુલતાનપુર પંથકમાં એક હજાર એકરમાં મગફળીનું વાવતેર થયું હતું. પાછોતરા વરસાદનાં કારણે મગફળીનો તૈયાર પાક સંપૂર્ણ નાશ પામ્યો છે.

માળિયા હાટીના : ચાર દિવસ થયા દરરોજ બપોર પછી વરસાદ આવે છે આજે પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. બપોરના ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં એક કલાકમાં વીજળીના કડાકા ભડાકા સાથે એક કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડયો છે. તાલુકાના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદનાં કારણે મોટાભાગનાં ખેતરોમાં પાણી ભરાયાં છે. 

ગોંડલ: સાંજના સુમારે વરસાદ શરૂ થયો હતો. શહેરમાં ઝાપટા વરસ્યા હતા અને રાજમાર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બેથી ત્રણ ઇંચ જેવો વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી હતી.

ડોળાસા: કોડિનાર તાલુકાનાં ડોળાસા ગામે આજે સવારે 10:30થી શરૂ થયેલો વરસાદ 11:30 સુધી એટલેકે એક કલાક ચાલુ રહ્યો હતો. આ દરમિયાન દોઢ ઇંચ વરસાદ થયો હતો. બાદ બપોરના એક વાગ્યાથી ધીમે ધીમે વરસાદ ચાર વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. જે 11 મી.મી. વરસાદ થયો હતો. આજે કુલ 49 મી.મી.( બે ઇંચ ) પાણી પડયું હતું. ડોળાસા વિસ્તારમાં ચોમાસું પાક તૈયાર થઈ ગયો છે. પણ વરસાદ બંધ થતો નથી. આગોતરી વાવેલી મગફળી ખેડૂતોએ કાઢી ખેતરમાં પાથરા નાખ્યા છે. જેની ઉપર અઠવાડિયામાં બીજો વરસાદ થયો છે. જેના કારણે મગફળી ઉગી જવાની અને કલર કાળો પડી જવાની સંભાવના છે. પાકેલા સોયાબીન ઉપર વરસાદ થતાં તે પણ ઊગી જવાની શક્યતા છે.

સાવરકુંડલા: આજરો બપોરના 12 વાગ્યે જોરદાર વરસાદ શરૂ થતાં બે ઇંચ જેટલો વરસ્યો હતો.

ધોરાજી: શહેર અને પંથકમાં છેલ્લા આઠ દિવસથી ભારે બફારા બાદ દરરોજ સાંજના સમયે વરસાદના અમી છાંટણા તો ક્યાંક ભારે વરસાદ નોંધાતો આવ્યો છે ત્યારે ફરી આજે રવિવારે બપોરના સમયે ભારે બફારા બાદ આસોએ અષાઢી મહોલ એ પ્રકારનું વાતાવરણ સર્જાતા એક કલાકમાં એક ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો.

મોટીમારડ: મોટીમારડ સહિતના વિસ્તારમાં આજે અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સીઝનનો કુલ વરસાદ 90 ઇંચ નોંધો છે. મગફળી, કપાસ, સોયાબીન, તલ સહિતના પાકને ભારે નુકસાન થયું છે.

ઉમરાળા: આજે બપોર બાદ અષાઢી માહોલ છવાયો હતો અને સાંજના ચાર વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. છ વાગ્યા સુધીમાં 12 મીમી વરસાદ નોંધાયો હતો. વરસાદનાં કારણે ખેતીમાં ભારે નુકસાન થયું છે.

મેંદરડા: કમોસમી વરસાદનાં કારણે મગફળી, કપાસ, સોયાબીન સહિતનો પાક નષ્ટ થઈ ગયો છે તેમજ પશુ માટેનો ઘાસચારો પણ પલળી ગયો છે. ખેડૂતોને ભારે નુકસાની થઈ છે. આજે પણ બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસતાં ખેતરોમાં પાણી ભરાયાં હતાં.

કોટડાસાંગાણી: સવારથી ગરમી અને બફારાથી ઉકળાટથી બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા બપોરના એક કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. ગોંડલી નદીમાં બે કાંઠે પાણી વહેવા લાગ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસદાના કારણે મગફળીના પાથરા વરસાદથી પાણીમાં તણાયા છે.

જામ ખંભાળીયા: જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી માવઠાની માર અવિરત જોવા મળી રહી છે. ગઈકાલે અડધોથી એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ત્યારબાદ આજે ફરી અસહય ગરમી અને ઉકડાટ બાદ બપોરે અષાઢી માહોલ હોય એમ ગાજવીજ સાથે વરસાદી વાતાવરણ સર્જાયો હતો. ખંભાળિયામાં 40 મીમી અને કલ્યાણપુરમાં 55 મીમી વરસાદ સાંજે 6:00 વાગ્યા સુધી નોંધાયો હતો. વરસાદી વાતાવરણને કારણે ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે. ખેતરોમાં મોસમની મગફળીના પાથરાવો પાણીમાં તરતા જોવા મળી રહ્યા છે.

જામકંડોરણા: બપોરબાદ વરસાદી માહોલ છવાયો હતો. સાંજે 6 વાગ્યા સુધીમાં ધીમીધારે અડધો ઇંચ વરસાદ પડયો હતો.

ગારિયાધાર: શહેર અને પંથકમાં આજરોજ બપોરથી જ વાદળોથી ઘેરાયેલું કાળુ આકાશ છવાઈ ગયું હતું. ત્યારબાદ આખો દિવસ ઝરમર વરસાદ સાથે ધાબડિયું વાતાવરણ રહેવા પામ્યું હતું. મેઘરાજાએ વરસાદનાં કારણે કપાસ- શિગ સહિતના પાકોને ભારે નુકસાની થવા પામી હતી. આજે અડધો  ઇંચ વરસાદ વરસી ગયો હતો.

માણાવદર: ભારે ફકળાટ બાદ કડાકા ભડાકા સાથે આજે બપોર બાદ વરસાદ શરૂ થયો હતો. શહેરમાં અડધો અને ગ્રામ્ય પંથકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ઉભા પાકને ભારે નુકસાન થયું છે.

ધારી: શહેર અને આસપાસવા સરસિયા, જીરા, દુધાલા સહિતનાં ગામડાઓમાં સવારથી અસહ્ય ઉકળાટ વચ્ચે બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અંદાજે એક ઇંચ વરસાદ પડયો હતો.

વાંકાનેર: શહેર તથા ગ્રામ્ય પંથકમાં સાજે 4 વાગ્યા બાદ ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ હતી. બે ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોને બારે નુકસાન થયું છે.

બોટાદ: શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજે સવારથી જ વાદળ છાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ શરૂ થયો હતો. સાંજના સમયે કાળા ડિબાંગ વાદળો સાથે ધીમી ધારે વરસાદ પડયો હતો. બપોરના સમયે પવનના સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે સાંબેલા ધારે વરસાદ પડતા તુરખા ગામની શેરીઓમાં પાણી ભરાયા હતા.

પોરબંદર: સાંજે રાણાવાવ તથા આજુબાજુના બિલેશ્વર સુધીના ડુંગરાળ વિસ્તારમાં એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. રાણા કંડોરણા, કુતિયાણા સહિતના આજુબાજુના વિસ્તારમાં પણ હળવા ભારે ઝાપટાં વરસ્યાં હતાં.

       

 

 

ઇ-પેપરના નવા શુલ્ક