• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

લોલીપોપ : વિન્ટર શેડયુલમાં રાજકોટ આં.રા. એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ નથી !

27મીથી શરૂ થતા વિન્ટર શેડયુલમાં હૈદરાબાદની ડોમેસ્ટિક ફ્લાઇટ ઉમેરાઈ : રાજકોટ - અમદાવાદની વિમાની સેવાનું બાળમરણ

રાજકોટ, તા. 20 (ફૂલછાબ ન્યૂઝ) : હિરાસર સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને એક વર્ષ થયા પછી હજુ સુધી તેનાં નામ પ્રમાણે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ નથી. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઓક્ટોબરથી શરૂ થતા વિન્ટર શેડયુલમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ ફાળવવામાં આવશે તેવી હૈયાધારણા અપાઈ હતી. જોકે વિન્ટર શેડયુલમાં રાજકોટથી એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટનો ઉલ્લેખ કરાયો નથી. આથી ઘરઆંગણેથી વિદેશી વિમાની સેવા શરૂ થવાની રાહ જોતા યાત્રિકોને નિરાશા સાંપડી છે.

દિવાળી પહેલા એરપોર્ટનું શેડયુલ જાહેર થયું છે. જેમાં વર્તમાન વિમાની સેવા ઉપરાંત હૈદરાબાદની એકમાત્ર ડોમેસ્ટિક ફ્લાઇટ રાજકોટને ફાળે આવી છે. જેની સામે રાજકોટ-અમદાવાદ વચ્ચે શરૂ થયેલી વિમાની સેવાનું બાળ મરણ થયું છે. આગામી તારીખ 27મીથી આ ફ્લાઇટ બંધ થઈ જશે. આ ફ્લાઈટ બુધવાર સિવાય દરરોજ ઉડાન ભરતી હતી. આ ટચુકડું વિમાન હવે ઉનાળાના સમયપત્રક સુધી શરૂ થાય એવી સંભાવના નથી. બીજી તરફ સુરત માટે 9 સીટની ક્ષમતા ધરાવતું વિમાન કાર્યરત છે.

રાજકોટ એરપોર્ટ પર હાલમાં કાર્ગો માટેના ટર્મિનલમાંથી ડોમેસ્ટિક પેસેન્જર વિમાનના પ્રવાસીઓનું અવાગમન થઈ રહ્યું છે. પેસેન્જર માટેનું ટર્મીનલ હજુ બની રહ્યું છે. આ ટર્મિનલ બનતા જાન્યુઆરીથી માર્ચ જેટલો સમય લાગી શકે છે. રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઇન્ટરનેશનલ ફ્લાઇટના પેસેન્જર માટે નિયમ મુજબ વિઝા, કસ્ટમ, ઇમિગ્રેશન વગેરેના કાઉન્ટર તૈયાર કરવામાં આવી રહ્યા છે પરંતુ આ સુવિધા-વ્યવસ્થા ઉભી થયા પછી પણ જો ઇન્ટરશેનલ ફ્લાઇટ રાજકોટને નહીં મળે તો તેનો કંઈ અર્થ સરશે નહીં.

ઇ-પેપરના નવા શુલ્ક