• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

18 રાજ્ય માટે 12850 કરોડના આરોગ્ય પ્રકલ્પોનું ઉદ્ઘાટન

આનંદ કે.વ્યાસ

નવી દિલ્હી, તા. 29 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ધનતેરસ અને નવમા આયુર્વેદ દિન નિમિત્તે 70 વર્ષ થી વધુના વરિષ્ઠ નાગરિકો માટે રૂ.પાંચ લાખ સુધીની મફત સારવાર ઉપરાંત 18 રાજ્યો માટે આરોગ્ય ક્ષેત્રે રૂ.12850 કરોડના પ્રકલ્પોનું ઉદ્ઘાટન કર્યુ હતુ. દેશના છ કરોડ વરિષ્ઠ નાગરિકોને યોજનાઓનો લાભ મળશે.

કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત વડાપ્રધાન જન આરોગ્ય યોજનાનું વિસ્તરણ કરી વરિષ્ઠ નાગરિકોનો એમાં સમાવેશ કર્યો છે. આ દરમિયાન દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદમાં મોદીએ વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન વય વંદન કાર્ડ સોંપ્યા હતા.

વડાપ્રધાને તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પક્ષ ઉપર નિશાન તાકતા જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ અને દિલ્હીની સરકારને રાજકારણ સિવાય માનવતામાં કોઇ રસ નથી. વડાપપ્રધાને જણાવ્યું હતું કે હું દિલ્હી અને બંગાળના 70 વર્ષથી વધુના વરિષ્ઠ નાગરિકોની માફી માગુ (જુઓ પાનું 10)

છું કે હું તેમની સેવા નહીં કરી શકું. તમને કષ્ટ થશે પણ હું તમારી કોઇ મદદ કરી શકું એમ નથી. કારણ કે દિલ્હી અને બંગાળની સરકારે આ યોજનામાં જોડાવાનો ઇનકાર કર્યો છે. હું માફી માંગું છું કે દેશવાસીઓની સેવા કરવા માગું છું પણ રાજકીય સ્વાર્થને પગલે દિલ્હી અને બંગાળમાં મને સેવા કરવાની તક મળી નથી. મને ખૂબ જ દુ:ખ થઇ રહ્યુ છે, જે શબ્દોમાં વ્યકત કરી શકુ એમ નથી.

વડાપ્રધાને આ કાર્યક્રમ દરમિયાન જન આરોગ્ય સ્વાસ્થ્ય વીમા યોજના લોન્ચ કરી હતી. આ સ્કીમ હેઠળ 70 વર્ષથી વધુના નાગરિકોને વાર્ષિક પાંચ લાખનો આરોગ્ય વીમો મળશે. દેશના છ કરોડ વરિષ્ઠ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે.

આપણામાંથી મોટાભાગના લોકોની સ્થિતી ખૂબ જ દયનીય છે. તેમને માટે બીમારીનો અર્થ આખા પરિવાર ઉપર વીજળી પડવા સમાન બાબત છે. ગરીબના ઘરમાં જો કોઇ બીમાર પડે તો તેની અસર ઘરના દરેક સભ્ય ઉપર પડે છે. એક સમય હતો જ્યારે બીમારની સારવારમાં લોકો ઘર, જમીન, ઘરેણાં વેચવા પડતા હતા. સારવારનો ખર્ચ સાંભળીને ગરીબની આત્મા કાંપતી. રૂપિયાની અછતને કારણે સારવાર ન કરાવવાની લાચારીથી ગરીબ અંદરથી તૂટી જતો હતો. આજે  લગભગ ચાર કરોડ ગરીબોએ આયુષ્માન યોજનાનો લાભ ઉઠાવ્યો છે. આ ચાર કરોડ ગરીબોએ હોસ્પિટલમાં દાખલ થઇને જુદી જુદી બીમારીઓની સારવાર વિના મૂલ્યે કરાવી હતી.

રાષ્ટ્રીય આરોગ્ય નીતિના પાંચ મહત્વના મુદ્દામાં આરોગ્ય સંભાળ, સમયસરની સારવાર, રાહત દરે દવા અને સારવાર, નાના શહેરોમાં પણ નિષ્ણાંત તબીબોની સેવા અને પાંચમી આધુનિક ટેકનોલોજીથી સારવારનો સમાવેશ છે. આરોગ્ય ક્ષેત્રે ભારત હવે ખૂબ જ અગ્રેસર થઇ રહ્યો છે.

મોદીએ મંગળવારે રૂ.12,850 કરોડના આરોગ્ય પ્રકલ્પોનું ઉદ્ઘાટન કર્યુ હતુ જેમાં વર્ચ્યુઅલી મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, બિહાર સહિત 18 રાજ્યોમાં આરોગ્ય પ્રકલ્પો લોન્ચ કર્યા હતા. તેમ જ ઋષિકેશમાં એમ્સમાં પહેલી એર એમ્બ્યુલન્સ સંજીવનીનો શુભારંભ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન મોદીએ મંદસૌર, નીમચ અને સિવનીમાં ત્રણ મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન,ઇંદૌરમાં કર્મચારી રાજ્ય વીમા નિગમની સૌથી મોટી હોસ્પિટલનું લોકાર્પણ ઉપરાંત શિવપુરી, રતલામ, ખંડવા, રાજગઢ, મંદસૌરમાં પાંચ નર્સિગ કોલેજોના શિલાન્યાસ કર્યા હતા. વડાપ્રધાન મોદીએ છત્તીસગઢમાં રૂ.290 કરોડના પ્રકલ્પની શરૂઆત કરી હતી જેમાં બિલાસપુરમાં સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ સિમ્સનું લોકાર્પણ અને કેન્દ્રીય યોગ તેમ જ પ્રાકૃતિક ચિકિત્સા અનુસંધાન સંસ્થાનનું શિલાન્યાસનો સમાવેશ થાય છે ઉપરાંત રાયપુરમાં 100 બિછાનાની કેન્દ્રીય યોગ અને કુદરતી ચિકિત્સા અનુસંધાન સંસ્થાનનો પણ શિલાન્યાસ કર્યો હતો. આ ઉપરાંત મેરઠના કંકરખેડામાં રૂ.148 કરોડના ખર્ચે 5.8 એકર જમીન ઉપર 100 બિછાનાની ઇએસઆઇ હોસ્પિટલનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક