• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

શિયાળાની પ્રથમ શીત લહેરમાં લોકો ધ્રુજ્યા: 3 શહેરમાં તાપમાન સિંગલ ડિજીટમાં નર્મદામાં 7.2, નલિયામાં 7.6 અને દાહોદમાં 9.8 ડિગ્રી તાપમાન

રાજકોટ, વડોદરા અને દીવમાં તાપમાન નોર્મલ કરતા 4 ડિગ્રી નીચું

રાજકોટ, અમદાવાદ, તા.9: શિયાળાની ઠંડીની પ્રતિક્ષા પૂર્ણ થઇ હોય તેમ આજે રાજ્યમાં ઠંડીએ ચમકારો દેખાડયો હતો અને અનેક શહેરોમાં તાપમાન નોર્મલ કરતા 1થી 5 ડિગ્રી નીચે ઉતરી ગયું હતું. શિયાળાનો પ્રથમ ઠંડીનો ચમકારો અનુભવાયાના પગલે લોકો ધ્રુજી ઉઠયા હતા અને સવારથી આખો દિવસ સ્વેટર, મફલર સાથે જોવા મળ્યા હતા.  આજે નલિયા, નર્મદા તથા દાહોદમાં તાપમાન સીંગલ ડિજીટમાં તાપમાન નોંધાયું હતું. 

રાજ્યના હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે આજે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નર્મદા બન્યું હતું જ્યાં ન્યુનતમ તાપમાન 7.2 ડિગ્રી નોંધાયું હતું. નલિયામાં 7.6 ડિગ્રી તથા દાહોદમાં 9.8 ડિગ્રી નોંધાયું હતું. તેમજ રાજકોટમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેના કારણે શહેરમાં લોકો સ્વેટર, મફલર અને ટોપી સાથે જોવા મળ્યા હતા. તેમજ રાત્રે અનેક જગ્યાએ લોકોએ તાપણાનો સહારો લીધો હતો.

હવામાન વિભાગના અધિકારી પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ 24 કલાક બાદ તાપમાનમાં 1થી 2 ડિગ્રી ઘટાડો આવશે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 12 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા હોવાનું તેઓએ જણાવ્યું છે. જોકે 24 કલાક બાદ 4 દિવસ તાપમાન યથાવત રહશે. જ્યારે આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ તરફ રહેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને ઠંડીમાં વધારો થશે. જેમાં પર્વતીય પવન ફૂંકાવવાના કારણે પણ ઠંડીમાં વધારો થશે.

હવામાન ખાતાના અનુસાર પૂર્વ ઉત્તરપ્રદેશ પરથી હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હોવાથી ગુજરાત પર ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે ગુજરાત રાજ્યના લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હાલમાં ગુજરાત પર આવતા પવનોની દિશા મુખ્યત્વે ઉત્તર અને ઉત્તરપૂર્વીય છે, જેથી કાશ્મીરમાં જે હિમવર્ષા થઈ છે એની ઠંડક ગુજરાત સુધી આવી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક