• રવિવાર, 22 જૂન, 2025

19મી ફેબ્રુઆરીથી બજેટ સત્ર, 20મીએ આશરે 3.70 લાખ કરોડનું કદ ધરાવતું બજેટ રજૂ કરાશે

19મી ફેબ્રુઆરીથી 28મી માર્ચ સુધી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, નવી જાહેરાતો બંધ

38 દિવસનું સત્ર, શનિ-રવિની 10 રજાઓ, અન્ય 2 રજાઓ બાદ 26 દિવસ ગૃહનું કામ ચાલશે, જેમાં 27 બેઠકો મળશે

અમદાવાદ, તા.20 : ગુજરાત વિધાનસભાનું આગામી 19મી ફેબ્રુઆરીથી બજેટ સત્ર શરૂ થશે. નાણામંત્રી કનુ દેસાઇ દ્વારા 20મી ફેબ્રુઆરીના રોજ રાજય સરકારનું વર્ષ 2025-26નું આશરે રૂ. 3.70 લાખ કરોડનું અંદાજિત કદ ધરાવતું નવા નાણાંકીય વર્ષ માટેનું બજેટ રજૂ કરશે. 40 દિવસ સુધી ચાલનારા બજેટ સત્રમાં અડધોડઝન વિધેયક અથવા સુધારા વિધેયક પ્રસાર કરવામાં આવશે. બજેટ સત્ર પૂર્ણ થયા બાદ રાજ્યમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે.

આ બજેટ સત્ર 19મી ફેબ્રુઆરીથી 28મી માર્ચ સુધી ચાલશે. સત્રના પ્રથમ દિવસે બપોરના 12 વાગ્યે રાષ્ટ્રગીતની ધૂન બાદ રાજ્યપાલ વિધાનસભા ગૃહની બેઠકને સંબોધશે ત્યારબાદ સત્તાવાર રીતે ગૃહની બેઠકની શરૂ થયા પછી સદ્દગત પૂર્વ ધારાસભ્યો-પૂર્વ મંત્રીઓને શોકાંજલિ આપતો પ્રસ્તાવ પસાર કરાશે. આ બજેટ સત્ર 19મી ફેબ્રુઆરીથી 28મી માર્ચ સુધીના 38 દિવસ સુધી ચાલશે. જેમાં શનિવારની 5 અને રવિવારની 5 રજાઓને બાદ કરતાં 10 દિવસની રજાઓ ઉપરાંત અન્ય 2 રજાઓ રહેશે અર્થાત 26 દિવસ સુધી સત્ર ચાલશે. જેમાં 27 જેટેલી બેઠકો યોજાશે. જોકે, દરમિયાનમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં નક્કી થયા મુજબ ફેરફાર થઈ શકે છે. 

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના કહેવા મુજબ, આ સત્ર દરમ્યાન પ્રથમ દિવસે રાજ્યપાલના વિધાનસભા ગૃહને સંબોધન બાદ બજેટ રજૂ થયા પછીના દિવસે 3 દિવસ સુધી રાજ્યપાલના ગૃહને સંબોધન પરના આભાર પ્રસ્તાવ પર ચર્ચા થશે. જેમાં સત્તાધારી પક્ષ દ્વારા રાજ્યપાલના સંબોધનની પ્રશંસા કરશે તો, વિપક્ષ તેની ટીકા કરશે. આ ચર્ચા બાદ 4 દિવસ સુધી સરકારના રજૂ કરાયેલા બજેટ ઉપર સામાન્ય ચર્ચા થશે. એમાં પણ જો વિપક્ષ સમર્થ અને ધારાસભ્યો અભ્યાસુ હોય તો, રાજ્ય સરકારના વહીવટીની ઐસીતૈસી કરીને તેનો હિસાબ માગી શકે છે પણ આ વખતે રાજ્ય વિધાનસભામાં વિપક્ષ-કોંગ્રેસના માત્ર 12 ધારાસભ્યનું સંખ્યાબળ જોતાં, તેઓ કેટલી હદે સરકારને ઘેરી શકે છે, તે એક હાલ તો ચર્ચાનો જ વિષય છે. આ સત્રમાં 5 દિવસ સરકારી કામકાજ અને સરકારી વિધેયકો ચર્ચા બાદ પસાર કરાવાશે. 12 દિવસ રાજ્ય સરકારના વિવિધ વિભાગોના બજેટ પર ચર્ચા કરાશે અને અંતે તે પસાર કરાવાશે. રાજ્ય સરકારના 26થી વધુ વિભાગો જોતાં, એક દિવસમાં 2-3 વિભાગોની માગણી (બજેટ) પરની રજૂઆત-ચર્ચા બાદ તે મંજૂર કરાશે. સત્ર દરમ્યાન દર ગુરુવારે પ્રશ્નોત્તરીના પ્રથમ કલાક બાદ બિન-સરકારી વિધેયકો અર્થાત શાસક-વિપક્ષના ધારાસભ્યો તરફથી જે તે સળગતાં પ્રશ્નોને લઈ વિધેયકો ચર્ચાશે. 28મીના શુક્રવારે વિધાનસભા સત્ર પૂરું થશે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક