• બુધવાર, 12 માર્ચ, 2025

વીજળીના ચાર્જમાં 45 પૈસાની રાહત મળવાની શક્યતા દરખાસ્ત માન્ય રખાશે તો 1 એપ્રિલથી ગ્રાહકોને લાભ મળશે

અમદાવાદ, તા. 14: ગુજરાતની ચાર સરકારી વીજ કંપનીઓના 1.30 કરોડથી વધુ વીજ ગ્રાહકોને બપોરે 11 વાગ્યાથી માંડીને ત્રણ વાગ્યા સુધીમાં વીજળીના થનારા વપરાશના ચાર્જમાં યુનિટદીઠ 45 પૈસાની રાહત આપવાની દરખાસ્ત ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ રજૂ કરાઈ હોવાનું 2025-26ના વર્ષની ટેરિફ પીટીશનમાં જણાવવામાં આવ્યું છે. ગુજરાત સરકારની ચાર વીજ કંપનીઓની આ દરખાસ્ત માન્ય થશે તો પહેલી એપ્રિલ 2025થી આ લાભ આપવાનું ચાલુ કરી દેવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો વીજ વપરાશકારોને સ્માર્ટ પ્રી પેઈડ મીટર લગાડવા માટે પ્રેરવાનું પગલું આ ઓફર આપીને લેવામાં આવ્યું હોવાનું માની શકાય છે. આ દરખાસ્ત સહિતની સમગ્ર ટેરિફ પીટીશન અંગે ગ્રાહકો અને ગ્રાહકોના હિતમાં કામ કરતી સંસ્થાઓના અભિપ્રાય પણ મગાવવામાં આવ્યા છે.

આ જ રીતે પ્રીપેઈડ સ્માર્ટ મીટર લગાડનારાઓને તેમના સંપૂર્ણ યુનિટના બિલ એટલે કે એનર્જી ચાર્જના બિલમાં બે ટકાની રાહત આપવામાં આવશે. આમ સ્માર્ટ મીટર લગાડનારનું એનર્જી બિલ રૂ. 5000 આવે તો તેને રૂ. 100ની રાહત આપવામાં આવશે. આ રાહતને વીજ વપરાશના સમયગાળા સાથે કોઈ જ નિસબત નથી. 2025-26ના વર્ષના વીજદર વધારાની દરખાસ્ત સાથે આ રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ખેતી વાડી સિવાયના હેતુઓ માટે હાઈ ટેન્શન, લો ટેન્શન, એન.આર.જી.પી. કે પછી ઈ.વી.સી.એસ.ની કેટેગરીમાં આવતા વીજ જોડાણ લેનારા દરેક વીજ ગ્રાહકોને બપોરે 11 વાગ્યાથી ત્રણ વાગ્યાના સમયગાળામાં વપરાનારી વીજળીના યુનિટ દીઠ ચાર્જમાં યુનિટે 45 પૈસાની રાહત આપવામાં આવશે પરંતુ તેને માટે સ્માર્ટ મીટર લગાડવું જરૂરી છે કારણ કે સ્માર્ટ મીટરથી જ દિવસના કયા સમયગાળામાં કેટલી વીજળીનો ઉપયોગ કરવામાં આવ્યો તેનો રેકોર્ડ તૈયાર કરી શકાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢમાં સવા અબજના બોગસ બિલ કૌભાંડમાં છ શખસને ત્રણ વર્ષની જેલ પૂર્વ મેયર સહિત બેના અવસાન થતા એબેટ જાહેર March 12, Wed, 2025