• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

સરદારની વિરાસત ઉપર સંઘનો દાવો હાસ્યાસ્પદ : ખડગે

-અમદાવાદમાં આયોજિત ‘સીડબલ્યુસી’ની બેઠકમાં ભાજપ અને આરએસએસ ઉપર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના આકરા પ્રહારો

-સંસદ પરિસરમાંથી ગાંધીજી અને બાબા સાહેબની ભવ્ય પ્રતિમાઓ હટાવીને મોદી સરકારે તેમનું અપમાન કર્યુ

 

 

અમદાવાદ, તા.8: ‘અમદાવાદમાં સરદાર સ્મારક ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આજે પ્રથમ દિવસે સીડબલ્યુસીની બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ) ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા રાષ્ટ્રીય નાયકો સામે એક સુનિયોજિત ષડયંત્ર ઘડવામાં આવી રહ્યું છે.તેઓએ જણાવ્યું હતું કે, સરદાર પટેલની વિચારધારા આરએસએસના વિચારોથી વિપરીત હતી પરંતુ આજે તે સંગઠનના લોકો સરદાર પટેલના વારસાનો દાવો કરે છે જે હાસ્યાસ્પદ છે. મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં 140 વર્ષથી સેવા અને સંઘર્ષનો ગૌરવશાળી ઇતિહાસ ધરાવતી કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. કોમી વિભાજન કરીને દેશના મૂળભૂત મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે.  આ કામ એવા લોકો કરી રહ્યા છે જેમની પાસે પોતાની સિદ્ધિઓ બતાવવા માટે કંઈ નથી. સ્વતંત્રતાની લડાઈમાં મારા યોગદાનને દર્શાવવા માટે કંઈ નથી.તેઓ સરદાર પટેલ અને પંડિત નેહરુ વચ્ચેના સંબંધને એવી રીતે દર્શાવવાનું કાવતરું ઘડે છે કે જાણે બંને નાયકો એકબીજાની વિરુદ્ધ હોય જ્યારે સત્ય એ છે કે તેઓ એક જ સિક્કાની બે બાજુઓ હતા. ઘણી ઘટનાઓ અને દસ્તાવેજો તેમના સૌહાર્દપૂર્ણ સંબંધોના સાક્ષી છે.

તેમણે ઉમેર્યુ હતું કે, નહેરુને પટેલ સાહેબ પ્રત્યે અપાર આદર હતો જ્યારે પણ તેમને કોઈ સલાહની જરૂર પડતી, ત્યારે તેઓ પોતે પટેલજીના ઘરે જતા. પટેલજીની સુવિધા માટે, સીડબ્લ્યુસીની બેઠકો તેમના નિવાસસ્થાને યોજાઈ હતી. ડૉ. આંબેડકરને બંધારણ સભાના સભ્ય બનાવવામાં ગાંધીજી અને સરદાર પટેલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ડૉ. આંબેડકરે પોતે 25 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભામાં પોતાના છેલ્લા ભાષણમાં કહ્યું હતું કે ‘કોંગ્રેસ પાર્ટીના સહયોગ વિના બંધારણ બની શક્યું ન હોત.‘પરંતુ જ્યારે બંધારણ બનાવવામાં આવ્યું ત્યારે છજજ એ ગાંધીજી, પંડિત નેહરુ, ડૉ. આંબેડકર અને કોંગ્રેસની ખૂબ ટીકા કરી હતી. રામલીલા મેદાનમાં બંધારણ અને આ નેતાઓના પૂતળાઓનું દહન કરવામાં આવ્યું. એવું પણ કહેવામાં આવ્યું હતું કે બંધારણ મનુવાદી આદર્શોથી પ્રેરિત નથી.

મોદી સરકારે સંસદ પરિસરમાંથી ગાંધીજી અને બાબા સાહેબની ભવ્ય પ્રતિમાઓ હટાવીને અને તેમને એક ખૂણામાં મૂકીને તેમનું અપમાન કર્યુ હોવાનું ખડગેએ જણાવ્યું હતું અને ઉમેર્યુ હતું કે, ગૃહમંત્રીએ રાજ્યસભામાં બાબા સાહેબની મજાક ઉડાવી કે તમે લોકો આંબેડકર, આંબેડકર, આંબેડકર બોલતા રહો છો, જો તમે ભગવાનનું નામ આટલી વાર લીધું હોત, તો તમને 7 જન્મ સુધી સ્વર્ગ મળ્યું હોત. કોંગ્રેસ પાર્ટી બંધારણ અને તેના નિર્માતાઓ બન્નેનો આદર કરે છે અને તેનું રક્ષણ કેવી રીતે કરવું તે જાણે છે. સરદાર પટેલ સાહેબ આપણા હૃદય અને વિચારોમાં વસે છે. અમે તેમના વારસાને આગળ ધપાવી રહ્યા છીએ. આ વિચારને ધ્યાનમાં રાખીને, અમે અમદાવાદના ‘સરદાર પટેલ મ્યુઝિયમ’ ખાતે આ ઈઠઈ માટિંગનું આયોજન કરીને અમે તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ.આવી વિચારસરણી ધરાવતા લોકો ગાંધીજીના ચશ્મા અને લાકડી ચોરી શકે છે. પરંતુ આપણે તેમના આદર્શોને ક્યારેય અનુસરી શકતા નથી.

તેમણે ઉમેર્યુ હતું કે, આ વર્ષ મહાત્મા ગાંધીના કોંગ્રેસ પ્રમુખ બનવાની શતાબ્દી છે. ડિસેમ્બર 1924માં, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી મારા ગૃહ રાજ્ય કર્ણાટકમાં બેલાગવી કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા હતા. અમે 26 ડિસેમ્બરે કર્ણાટકમાં આ શતાબ્દી ઉજવી હતી.ગુજરાતની ધરતી પર જન્મેલા ત્રણ મહાનુભાવો દાદાભાઈ નવરોજી, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે કોંગ્રેસનું નામ વિશ્વભરમાં પ્રખ્યાત કર્યું છે. તે બધા આપણી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ હતા. ગાંધીજીએ આપણને અન્યાય સામે સત્ય અને આહિંસાનું શસ્ત્ર આપ્યું. આ એટલું મજબૂત વૈચારિક શસ્ત્ર છે કે કોઈ પણ શક્તિ તેની સામે ટકી શકતી નથી.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગાંધીજીનો વૈચારિક વારસો જ વાસ્તવિક મૂડી છે જે ફક્ત કોંગ્રેસ પાર્ટી પાસે છે.ગુજરાત એ એવો પ્રાંત છે જ્યાંથી કોંગ્રેસને તેના 140 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ સત્તા મળી છે. આજે આપણે ફરીથી અહીં પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છીએ. આપણી વાસ્તવિક તાકાત આપણા દેશની એકતા અને અખંડિતતા અને સામાજિક ન્યાયની વિચારધારા છે પરંતુ આજે, તે વિચારધારાને આગળ વધારવા માટે, આપણે પહેલા પોતાને મજબૂત બનાવવું મહત્ત્વપૂર્ણ છે.

ખડગેએ ઉમેર્યુ હતું કે, સંગઠન વિના સંખ્યાઓ નકામી છે. સંગઠન વિના સંખ્યાઓ વાસ્તવિક તાકાત નથી. જો કપાસના દોરા અલગ હોય, તો તે અલગ વાત છે. પરંતુ જ્યારે તેઓ મોટી સંખ્યામાં ભેગા થાય છે, ત્યારે તેઓ કાપડનું સ્વરૂપ લે છે. પછી તેમની તાકાત, સુંદરતા અને ઉપયોગિતા અદ્ભુત બની જાય છે એમ કહેતા કોગ્રેસમાં સંગઠનને મજબૂત કરવાની વાત કરી હતી.

------------

અસહ્ય ગરમીમાં ચિદમ્બરમની તબીયત લથડી

અમદાવાદ, તા.8: અમદાવાદમાં આજે યોજાયેલી ઈઠઈની બેઠક બાદ 6.30 વાગ્યે સાબરમતી આશ્રમમાં પ્રાર્થનાસભા યોજાઈ હતી. જો કે ચાલુ પ્રાર્થનાસભા દરમિયાન પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી પી.ચિદમ્બરમની તબિયત લથડી હતી  તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ઝાયડસ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ પ્રાર્થનસભા પણ પૂર્ણ થતા રાહુલ, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પણ તેમની તબિયતના ખબર અંતર પૂછવા રવાના થઈ ગયા હતા.  જોકે હાલમાં તેમની તબિયાત સુધારા પર છે.  

-----------------

‘બોમ્બ’ની અફવાને કારણે રાહુલ અને સોનિયા ગાંધીના વિમાનને થયો વિલંબ

અમદાવાદ, તા.8: અમદાવાદ એરપોર્ટ પર લંડનથી આવતી ફ્લાઇટને આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળથાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી તેમજ વિમાની સેવાને પણ અસર પહોંચી હતી.  લંડનથી અમદાવાદ આવી રહેલી ફ્લાઇટના ટોઇલેટમાં લેટર મળ્યો હતો કે બે કલાકમાં ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. જે બાદ અમદાવાદ એરપોર્ટ પર બોમ્બ સ્કવોડ દ્વારા ફ્લાઇટનું ચાકિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં બોમ્બની અફવાના કારણે જ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના વિમાનને અમદાવાદ એરપોર્ટ પર ઉતરવામાં વિલંબ થયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક